પ્રધાનમંત્રીશ્રીની ૨૫ વર્ષની જાહેર જીવનની યાત્રા સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણની યાત્રા છે- મંત્રીશ્રી રીવાબા જાડેજા

રાજકોટના હાર્દ સમા રેસકોર્સ ખાતે સ્વચ્છતા, એકતા અને સાંસ્કૃતિક વારસાનો અનોખો સંગમ સર્જાયો હતો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૧૫૦૦થી વધુ છાત્રોએ આશરે ૪૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં એકસાથે જોડાઈ ભારતના નકશા આકારની વિશાળ માનવ સાંકળ રચી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે મંત્રીશ્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ‘માનવ સેવા, જન સેવા એ જ પ્રભુ સેવા’ના મંત્ર સાથે પ્રધાનમંત્રીશ્રીએ સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષનું જાહેર જીવન સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણની યાત્રા છે.

ગુજરાતના મુખ્યમંત્રી બનવાથી લઈને દેશના વડાપ્રધાન બન્યા બાદ અવિરતપણે તેમણે ગરીબો, વંચિતો, મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણને પ્રાથમિકતા આપી છે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના મંત્ર સાથે જનધન, આયુષ્માન ભારત, આવાસ, લખપતિ દીદી સહિતની યોજનાઓના લાભ તમામ લોકો સુધી પહોંચ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત આજે ડિજિટલાઇઝેશન, સોલાર ઊર્જા, MSME અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિકાસનું મોડલ બની રહ્યું છે, જ્યારે દેશ વંદે ભારત, ભારતમાલા સહિતના માળખાગત પ્રોજેક્ટ્સથી નવી ગતિ મેળવી રહ્યો છે. મહિલા સશક્તિકરણ, કન્યા કેળવણી, સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારત અને ‘વિકસિત ભારત–૨૦૪૭’ જેવા સંકલ્પો પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વને દર્શાવે છે.

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આશરે ૩૩૦ x ૩૦૦ ફૂટના વિશાળ વિસ્તારમાં રચાયેલી આ માનવ સાંકળે ‘સ્વચ્છ ભારત’ સાથે એકતા અને જનભાગીદારીનો સંદેશ આપ્યો હતો. ૮૦ ફૂટના વિશાળ સર્કલમાં તૈયાર કરાયેલી પ્રાકૃતિક રંગોળી પણ વિશેષ આકર્ષણ બની હતી. અનાજ, બાંધણી અને વિવિધ પ્રકારની સાડીઓ સહિતની સામગ્રીના સર્જનાત્મક ઉપયોગથી તૈયાર કરાયેલી રંગોળીમાં સૌરાષ્ટ્રની આગવી કલા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી. સ્વચ્છતાના સંદેશ સાથે સૌરાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતું આ આયોજન રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ તકે મેયરશ્રી નેહલભાઈ શુક્લએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર શ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ, અગ્રણીશ્રી માધવભાઈ દવે સહિત વિવિધ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *