બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના ચોરી ગામે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આદિવાસી પરિવારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાઠોડ બાબુભાઈ સાજાભાઈ અને તેમનાં પત્ની રાઠોડ મીનાબેન બાબુભાઈ સહિત પરિવારના સભ્યો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. મંત્રીશ્રીએ પરિવારજનો સાથે ગામની પરિસ્થિતિ, સ્થાનિક પ્રશ્નો અને ગ્રામજનોની જરૂરિયાતો અંગે ચર્ચા કરી ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આદિવાસી દંપતી અને પરિવારના સભ્યો સાથે આત્મીયતાભર્યો સમય વિતાવ્યો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેત ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહેમાનોએ આદિવાસી પરિવાર સાથે બેસીને ભોજન લીધું હતું. આ મુલાકાત દરમિયાન સૌએ પરિવાર સાથે હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ સાધ્યો હતો. આદિવાસી પરિવાર સાથે ભોજન ગ્રહણ કરી મંત્રીશ્રીએ આત્મીયતા, સહભાગિતા અને સામાજિક સમરસતાની ભાવનાને ઉજાગર કરી હતી.