આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ વ્યારા ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું.

શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. પી. ચૌહાણ આર્ટ્સ અને શ્રીમતી જે. કે. શાહ અને શ્રી કે. ડી. શાહ કૉમર્સ કૉલેજ,વ્યારા ખાતે સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં વક્તૃત્વ કૌશલ્ય, વિચારશક્તિ, આત્મવિશ્વાસ તથા સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ (GSVS)નું આયોજન કરવામાં આવ્યું હતું. કૉલેજના આચાર્યશ્રી ડૉ. હિતેન્દ્રસિંહ ખરવાસિયાએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ચેતના, સાંસ્કૃતિક વારસો અને જવાબદાર નાગરિકત્વ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એમ જણાવી ભારતના માનનીય વડાપ્રધાનશ્રીને યુવાનોમાં અપૂર્વ વિશ્વાસ છે તથા ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ ‘વિકસિત ભારત @2047’ તથા ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે એવો જે વિચાર વર્તમાન સમયમાં રજુ કર્યો છે તેને સાકાર કરવા આજની યુવાપેઢીએ આગળ આવી પોતાનામાં રહેલી સકારાત્મક અને પ્રતીભાશક્તિનો લાભ રાષ્ટ્રને આપવા અનુરોધ કરી ભારતના અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને આત્મસાદ કરી સમરસ ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. સ્પર્ધામાં વિવિધ વિષયો ‘વિકસિત ભારત ૨૦૪૭ અને આત્મનિર્ભર ભારત’, ‘સંસ્કૃતિ અને સંસ્કાર : રાષ્ટ્રના અસ્તિત્વનો આધાર’, ‘ભારતીય નાગરિક તરીકેની ફરજો ૫૧(A)’, નશા મુક્ત ભારત અભિયાન અને સ્વચ્છ સાયબર ભારત મિશન’, ‘ કડવા ફળ છે ક્રોધના ‘ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. જિજ્ઞાબેન વ્યાસે આ સ્પર્ધા થકી વિદ્યાર્થીઓમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ, રાષ્ટ્રીય ભાવના, સર્જનાત્મક અભિવ્યક્તિ તથા નેતૃત્વ કૌશલ્યનો વિકાસ અને જવાબદાર તથા સંસ્કારી નાગરિક કેવી રીતે બની શકાય તેની સમજ અને જાણકારી આપી હતી. વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં ભારતીય સંસ્કૃતિ, લોકપરંપરા, રાષ્ટ્રીય એકતા, સ્વચ્છ સાયબર વ્યવહાર, આત્મનિર્ભરતા, નાગરિક ફરજો અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા જેવા વિવિધ પાસાઓને અસરકારક રીતે રજૂ કર્યા હતા. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓની વક્તૃત્વકળા, વિચારશક્તિ, વિષયની સમજ, રજૂઆત અને આત્મવિશ્વાસ જોવા મળ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રા. મિતલબેન દેસાઈ તથા પ્રા. ડૉ. ક્રિષ્ના લાખાણીએ સેવા આપી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પાંડે કુશલ રાજકુમાર, બીજો ક્રમ ત્રિવેદી શિવાની રાજેન્દ્ર, ત્રીજો ક્રમ શાહ નૈતિક કમલેશભાઈ, ચોથો ક્રમે પ્રજાપતિ સાગર મુનેશભાઈ તથા ચૌધરી અર્પણા પ્રવીણભાઈએ પ્રાપ્ત કર્યો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યાપક અને સામાજિક સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રા. ડૉ. જિજ્ઞા વ્યાસે કર્યું હતું.