
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ – એમ.બી.એ. (SPCAM–MBA), બાકરોલ ખાતે પ્લેસમેન્ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે “LinkedIn Profile Building & Job Search Workshop” વિષય પર પ્લેસમેન્ટ ટોક તથા હેન્ડ્સ-ઓન ટ્રેનિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક લિંક્ડઇન પ્રોફાઇલ તૈયાર કરવા, શૈક્ષણિક લાયકાત અને કૌશલ્યોને અસરકારક રીતે રજૂ કરવા તથા નોકરી અને ઇન્ટર્નશિપની તકો શોધવા અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમનું આયોજન કોલેજના ડિરેક્ટર, આઈ.ક્યુ.એ.સી. કો-ઓર્ડિનેટર તથા પ્લેસમેન્ટ સેલ કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સુશ્રી રિયા ટાગલાની (ઈ૨ઈ કરિયર લાઉન્જ (E2E Career Lounge), સરદાર પટેલ યુનિવર્સિટી (SPU)) એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લિંક્ડઇન પ્રોફાઇલમાં શૈક્ષણિક લાયકાત, કૌશલ્યો, સિદ્ધિઓ અને પ્રોજેક્ટ્સને અસરકારક રીતે રજૂ કરવા તથા લિંક્ડઇન દ્વારા નોકરી, ઇન્ટર્નશિપ અને કારકિર્દીની તકો શોધવા અંગે ઉપયોગી માહિતી આપી હતી. સાથે જ વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા (Professional Networking), વ્યક્તિગત વ્યાવસાયિક ઓળખ ઊભી કરવા (Personal Branding) તથા કારકિર્દી માટેની તૈયારી (Career Readiness) જેવા મહત્ત્વપૂર્ણ પાસાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ સત્ર વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, વ્યવહારુ અને કારકિર્દીલક્ષી સાબિત થયું હતું.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને સ્પેક મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.