
રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ તાપી જિલ્લાના ૭૨ કલાકના પ્રવાસ દરમિયાન વ્યારા ખાતેથી વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને સર્વોપરી ગણાવી રેગિંગની ઘટનાઓ સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મંત્રીશ્રીની સીધી સૂચનાને પગલે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના ૫ વિદ્યાર્થીઓને ૬ મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ (બહાર) કરવામાં આવ્યા છે, જ્યારે રાજકોટની પીડીયુ (PDU) મેડિકલ કોલેજના ૧૪ વિદ્યાર્થીઓને પણ સસ્પેન્ડ કરાયા છે.
આ તકે મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યુ કે, રેગિંગ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને હેરાન કરવા એ અમાનવીય કૃત્ય છે અને આવા કૃત્ય સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આ કડક દાખલો બેસાડવામાં આવ્યો છે.
વડોદરા ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે થયેલી માનસિક હેરાનગતિની ઘટના બાદ આરોગ્ય મંત્રીશ્રીએ ત્વરિત નિયામકશ્રીને સૂચના આપી માત્ર ૧૨ કલાકમાં એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ મંગાવ્યો હતો. શનિવારે તા. ૨૮/૧૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જી.એમ.ઈ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજ, ગોત્રી ખાતે મળેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની લેખિત-મૌખિક રજૂઆતો સાંભળવામાં આવી હતી.
તમામ પાસાઓની ચકાસણી બાદ કમિટીએ શિસ્તભંગનું વર્તન સાંખી ન લેવાના નિર્ણય સાથે ત્રીજા વર્ષના નીચે મુજબના ૫ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ૬ મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાનો આદેશ કર્યો છે. આ અંગેનો સત્તાવાર આદેશ ગોત્રી મેડિકલ કોલેજના ડીન દ્વારા જારી કરવામાં આવ્યો છે.
આ જ પ્રકારે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં પણ પ્રથમ વર્ષના એમબીબીએસ (MBBS) વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવા બદલ રેગિંગ કમિટીના અહેવાલ બાદ ત્વરિત કાર્યવાહી કરીને કુલ ૧૪ વિદ્યાર્થીઓને એક અઠવાડિયાથી લઈને એક-બે માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.