જામનગર,18- તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિભાગોના સંકલનામાં રહી પૂરતી તૈયારીઓ કરવામાં આવેલ છે.જે તૈયારીઓની સમીક્ષા કરવા સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા મોડી રાત્રે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકર,જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીપીન ગર્ગ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી.તેમજ ઉપસ્થિત રહેલ અધિકારીશ્રીઓ સાથે સાંસદશ્રીએ વાવાઝોડાની સ્થિતિ અને તેની તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ વાવાઝોડા સંદર્ભે વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની છેવટની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રન, અધિક કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, ડી.આર.ડી.એ. ડાયરેકટર શ્રી રાયજાદા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, કાર્યપાલક ઈજનેરશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


