ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના શિહોરા અને ભોજાના મુવાડાના જગતના તાત એવા સિત્તેર જેટલા ખેડૂતપુત્રોને તાઉ-તે વાવાઝોડાની અસરથી ખેતીનું નુકશાન સહન કરવાનું આવ્યું છે . બંને ગામોમાં અંદાજિત ૪૦૦ જેટલા વિઘામાં બાગાયત પાક તરીકે પપૈયાનું વાવેતર કરેલ હતું . એક વિઘામાં ૬૦૦ થી વધુ છોડનું વાવેતર કરાય છે જેમાં પચાસ ટકા છોડ જમીન દોસ્ત થઈ ગયા છે . પાક તૈયાર થયેલ હોય ઉતારીને બજારમાં વેચાણ માટે લઈ જવા તૈયાર હતા . પરંતુ મંગળવારના રોજ તાઉ -તે વાવાઝોડાની પ્રચંડ અસરથી તૈયાર થયેલ પપૈયાના પાકને ખૂબ જ નુકસાન જવાથી ખેડૂતો આવક ગુમાવતાં લાચાર બન્યા છે અને કરેલ ખર્ચ પણ ઉપજશે નહીં તેની ચિંતામાં મુકાયા છે. ગામના અગ્રણી ખેડૂત આગેવાન ચીમનભાઈ પટેલે જણાવ્યુ હતું એક વીઘા દીઠ અંદાજિત ૫૦ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાથી કુલ અંદાજિત બે કરોડ રૂપિયાના નુકસાનથી ખેડૂતો પાયમાલ બની જવા પામ્યા છે . ગામના અન્ય ખેડૂત પુત્ર રાજેશભાઈ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે અમે સૌ પપૈયાના વાવેતરને પ્રાધાન્ય આપીએ છીએ .મુખ્યત્વે અહીના ખેડૂતો પપૈયાના વાવેતર થકી મબલખ ઉત્પાદન મેળવીને ગુજરાન ચલાવે છે .જેથી મુખ્યત્વે તેના પર નિર્ભર રહેતા થયેલા નુકસાનથી આર્થિક રીતે બોજ સહન કરવાનો આવ્યો છે. આકસ્મિક આવી પડતાં આવા નુકસાનને કારણે પડતાં પર પાટુ પડવાથી ખેડૂત પાયમાલ બની રહયા છે . વધુમાં કહ્યું હતું કે સરકાર દ્વારા વિભાગના અધિકારીઓને મોકલી સ્થળ તપાસ કરીને નુકસાનનો અંદાજ કાઢીને શકય એટલી વધુ સહાય ઝડપી પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. નડીઆદ બાગાયત વિભાગના અધિકારી હરેશભાઈ ચૌધરીએ ખેતરના સ્થળની પ્રાથમિક તપાસ કરી હતી તેમજ ખેડૂતોને પોતાના ખેતરના નુકસાનન ફોટા જેતે અધિકારીને મોકલવા જણાવ્યુ હતું અને ખેતી અંગેના નુકસાનની ચોક્કસ માહિતી મેળવવા ટૂંકમાં જિલ્લાની ટિમ આવી થયેલ નુકસાનીની રકમ પેટે યોગ્ય વળતર માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યુ હતું . આજુબાજુના ગામો જેવા કે મોટી જેર ,નાની જેર ,લાલપુર , નિરમાલી જેવા તમામ ગામોમાં બાજરીનો ઊભો થયેલ પાક પણ વરસાદ અને વાવાઝોડાથી નુકસાન થવા પામ્યો છે જેને લઈને ખેડૂતો પણ યોગ્ય વળતરની અપેક્ષા રાખી રહયા છે . ત્રણ ઈચ જેટલો વરસાદ ખાબકતાં ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હોવાથી પાક પલળી જતાં જગતના તાતને આર્થિક માર સહન કરવાનો આવ્યો છે .
રિપોર્ટ : રાકેશ મકવાણા (ખેડા )
