“મહાત્મા તારા ખાદી-ચરખા”

શબ્દ સંકલન- શિખા પટેલ

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતિ છે ત્યારે તમામ લોકો આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને કહેશે ગાંધીવાદના સિદ્ધાંતો સદાબહાર છે, સમગ્ર વિશ્વને પ્રકાશિત કરવાની શક્તિ ધરાવે છે, સત્ય અને અહિંસાના આધારસ્તંભ પર ચાલવા પ્રેરે છે, તેમનું સરળ જીવન, સમૃદ્ધ મૂલ્યો જીવનમાં ઉતારવા જોગ છે પણ રક્ત સામે રક્ત જ જોઈએ એવાં વિશ્વમાં શું મહાત્મા ગાંધીના સિદ્ધાંતો માન્ય અને શાશ્વત છે ? કે પછી, ગાંધીજીનું મૂલ્ય હવે ચલણી નોટો અને જાહેર સૌચાલયો ની દિવાલો પર ચશ્મા સુધી જ સિમિત રહ્યું છે!!!

ગાંધીજીનાં કહેલાં વાક્યો, “ખાદી વસ્ત્ર નહીં, પણ વિચાર છે, ખાદી હિન્દુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર્યતા ને સમાનતાનું પ્રતીક છે.” એનાં એવાં પ્રભાવો પડ્યાં કે, લોકોએ ખાદી ને ‘અશક્ય’ કામને ‘શક્ય’ કરવાં માટેનું લાયસન્સ બનાવી નાખ્યું. ગાંધી અને તેનાં મૂલ્યો!!! એની તે ભલાં શી મોટી વાત? અરે, ગાંધીબાપુ, જે ખાદીબેનનો જન્મ ગરીબોનાં ઘરમાં બે ટંકની રોટી અને તેમનાં કલ્યાણ અર્થે થયો હતો આજે એ જ ‘ખાદીબેન વગર ગાદીભાઈ’ ને મેળવી ના શકાય‌ સાથે તમારા ચરખાભાઈ ની લોકપ્રિયતા એટલી વધી છે કે, કેટલાંક અમારા નેતાભક્તો ચરખાભાઈ સાથે ફોટા પડાવવા અધીરા બની ગયા છે.

આજકાલ તો મોડર્ન ખાદીનો જબરો જાદુ છે ભાઈ !!! પોતાની ખરડાયેલી છબી ને સાફ કરવાં માટે ખાદીધારણ કરવું એ આજકાલ નો ટ્રેન્ડ થઈ ગયો છે.”બેઈમાની નાં ડાઘ અને કલંક ને દુર કરવા અપનાવો માત્ર ને માત્ર સફેદ ખાદી”. નીર્જીવ ખાદીનો ચમત્કાર‌ એટલો પ્રભાવશાળી છે કે, ખાદીધારણ કરીને કરેલાં દુષ્કર્મ ઉપર પણ સત્કર્મ નું લેબલ લાગી જાય છે પણ ધ્યાન માં રાખવું ખાદીબેન કંઈ ગરીબોનાં મહોતાજ નથી..એ તો ધનીક વર્ગો, ગામસેવકો થી લઈને રાષ્ટ્રસેવકો જેવા ઉચ્ચ વર્ગો ને જ ગળે વળગે.

જ્યાર થી ચરખાભાઈ કેલેન્ડર માં આવી ગયા ત્યારથી ચરખાભાઈ નો પણ રુઆબ બદલાઈ ગયો. રાષ્ટ્રપિતા ગાંધી બાપુ, આત્મનિર્ભર ભારત માટેની લડાઈ વખતે શસ્ર તરીકે તમારી પાસે ચરખો હતો. એમાં નવાઈ ની કોઈ વાત નથી આ સદીમાં તો ખુરશી ટકાવી રાખવા માટે શસ્ર તરીકે ચરખો બધાંય નાં ફોટા માં ચમકે છે. હે રામ…”મહાત્મા તારા ખાદી-ચરખા” નો ઉપયોગ આમ પણ થઈ શકે છે!!! આની કલ્પના માત્ર થી જ રૂંવાડા ઉભા થઈ જાય પણ કરવું શું ? ભાઈઓ અને બહેનો આને જ કહેવાય ‘દશાપરિવર્તન’ પણ‌ ખાદીબેન અને ચરખાભાઈ ને એનાંથી ફર્ક પડે ખરો!!! એ તો રહ્યા સર્વસંપન્ન (ધનસંપન્ન અને પદસંપન્ન)…

 ગાંધી બાપુ, તમારાં સ્વપ્નનાં સુરાજ્યની પ્રાપ્તિ કરવી હજી બાકી છે પણ તમે ચિંતા ના કરશો… આઝાદી પછી તમારાં નામ અને વિચારો ને વટાવી ખાવામાં કંઈ બાકી નથી રાખ્યું. તમારાં દ્વારા કરાયેલી પ્રવૃત્તિઓને પણ કમાણી માટેના સાધનો બનાવી નાખ્યા છે ત્યારે, કહ્યા વિના રહેવાતું નથી કે, તમારાં ઉપદેશો માત્ર પાઠ્યપુસ્તકો પુરતાં જ મર્યાદિત છે. આધુનિક ટેકનોલોજી નું અપગ્રેડેશન જરૂરી છે પણ તેની સાથે સત્ય, અહિંસા, ત્યાગ, નમ્રતા, સમાનતા ને ઉકરડે ફેંકવા કેટલી હદે યોગ્ય ગણાય???

આશા છે કે, ગાંધીજી ની જન્મજયંતી ની રાહ હવે ફક્ત રજાઓ માટે કે મળતા ખાદી નાં ડિસ્કાઉન્ટ માટે નહીં જોવાય અને લાખો ભારતીયો ને સ્વાભિમાનપૂર્વક રોજીરોટી મળી રહે તેવાં સમાજ નું નિર્માણ કરી પુજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM