લૌકિક પર્વોથી માનવીના શરીરનું પોષણ થાય છે. જ્યારે પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છે – ચારિત્રરત્ન વિજય
પાટણ ના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણા ની નિશ્રામાં પર્યુષણ મહાપર્વની આઠ દિવસીય આરાધના ઉત્સાહ અને ઉમંગ નાં વાતાવરણ માં ચાલી રહી છે,પર્વ ના તીજા દિવસે મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે જીવનને પવિત્રતાથી ભરી દેનારું પર્વ એટલે શ્રીપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ , પાપોથી પાછા ફરી શુદ્ધ આત્મપ્રદેશ તરફ પગલા ભરવાના નિર્મળ અનુષ્ઠાન સમા શ્રીપર્વાધિરાજ પર્યુષણા મહાપર્વની આરાધના સ્વ-પરનાં હિત-કલ્યાણને સાધી આપનારી છે. આ મહાપર્વમાં જેટલી ભૂમિકા સ્વ જીવનની છે, તેટલી જ ભૂમિકા સમગ્ર જીવસૃષ્ટિની પણ છે,પર્યુષણ પર્વનો મુખ્ય સંદેશ જગત માત્રના જીવો સાથે મૈત્રી સાધવાનો છે. મૈત્રી વ્યવહારશુદ્ધિ અને મનશુદ્ધિ વગર પ્રાપ્ત થતી નથી, એટલા માટે જ પર્યુષણ પર્વને આધ્યાત્મિક પર્વ કહ્યું છે. મુનિરાજે કહ્યું કે લૌકિક પર્વોથી માનવીના શરીરનું પોષણ થાય છે. જ્યારે પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છે , ત્રિસ્તુતિક જૈન સંઘ ના અગ્રણીઓ એ જણાવ્યું કે સોમવાર થી જૈન ધર્મ ના પવિત્ર ગ્રંથ કલ્પસૂત્ર નું વાંચન પ્રારંભ થશે જે બુધવાર સુધી વંચાશે , પર્યુષણ પર્વ ના કાર્યક્રમ વિશે કહ્યું કે પર્યુષણમાં જિનાલયોમાં ભગવાન ની પૂજા, સેવા અને સ્મરણ કરવામાં આવે છે. તો ઉપાશ્રય માં સાધના આરાધના અને પ્રવચન શ્રવણ કરવા માં આવે છે, આ પર્વ ના દિવસો માં તપ નું અનુરુ મહત્વ છે તેમાં આયંબિલ એકાસણા ઉપવાસ આદિ ની તપસ્યા કરવા માં આવે છે, ઉપવાસ દ્વારા વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વયંને તપસ્યા માટે સમર્પિત કરે છે. પર્યુષણમાં ઉપવાસનો સમયગાળો 1 દિવસથી લઈ 30 દિવસ થી અધિક સુધીનો હોય છે. જેમાં સૂર્યોદયથી લઈ સૂર્યાસ્તની વચ્ચે માત્ર ઉકાળેલું પાણી જ ગ્રહણ કરી શકાય છે. પર્યુષણ પર્વ ને લઈ ને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં નગરપાલિકા પ્રમુખ સ્મીતાબેન પટેલ પધાર્યા અને મુનિરાજ શ્રી ના આશીર્વાદ પ્રાપ્ત કરી ને પ્રવચન શ્રવણ કર્યું તેમજ જૈન સંઘ અને તપસ્યા કરી રહેલા ભાઈ બહેનો ને પર્યુષણ ની શુભકામના પાઠવી, ત્રિસ્તુતિક જૈન સંઘ વતી તેઓનું સન્માન કરવામાં આવ્યું, નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે મુનિરાજ શ્રી ના સાનિધ્યમાં રહી ૪૫ દિવસ થી એકાસણા ની તપસ્યા કરી રહેલ ગુરુ સેવક શુભમભાઈ રાજપુત ઉર્ફે પીન્ટુ નુ સન્માન કર્યું



