
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આઠમો દિવસ એટલે વર્ષ દરમ્યાન લાગેલા પાપોથી આત્માને સંવત્સરી પ્રતિક્રમણ દ્વારા શુદ્ધ કરવાનો અવસર એટલે સંવત્સરી મહાપર્વ.મન વચન અને કાયાથી નાના કે મોટા કોઈ પણ જીવને દુભવ્યા હોય તો ક્ષમા માંગવાનો અવસર એટલે સંવત્સરી પર્વ. પર્યુષણનો પ્રાણ છે ક્ષમાપના.ત્રણ વાતો ધ્યાનમાં રાખજો (1) ક્ષમા રાખવી-કોઈએ અયોગ્ય વર્તાવ કર્યો આપણી અપેક્ષા પૂરી ન થાય ત્યારે ક્ષમા રાખો (2) ક્ષમા માગો-તમે અનુચિત વર્તન કર્યું કે ક્ષમા ન રાખી શક્યા. તો ક્ષમા માગો તેના માટે નમ્રતા જોઈએ.(3) ક્ષમા આપો- કોઈએ ભૂલ કરી ક્ષમા માગવા આવ્યો તો ક્ષમા આપો ઉદારતા જોઈએ બધા નુકશાન કરતા એક મિનિટની ક્ષમા તારશે બધા નુકશાન કરતા ચડિયાતું નુકસાન કષાયનું છે.ક્ષમા રાખવી સહેલી -ક્ષમા માંગવી અઘરી-ક્ષમા આપવી એ વધારે અઘરી છે. ક્ષમાપના એટલે સર્વ જીવો સાથેના વેરનું વિસર્જન- દુશ્મનાવટની નાબૂદી સામેનાની ભૂલની માફી પોતાની ભૂલનો એકાકાર-હૃદયમાં મૈત્રીભાવનું પ્રગટીકરણ વૈરના વળામળા ને પ્રેમનો પાદુર્ભાવ આ ક્ષમાપના જ પર્યુષણ પર્વનો પ્રાણ છે. હાર્દ છે.તેના વિના પર્વની સાચી આરાધના થઇ શકતી નથી. પ્રભુના સેવક માટે આપણું હૈયું વાત્સલ્યથી ભરી દઈએ. દિલમાં કોઈના પ્રત્યે અણગમો હોય તો પ્રભુ સાથે સંબંધ બંધાય નહીં પ્રભુએ કેવા કેવા અપરાધીઓને કરુણાથી ભીંજવી દીધા છે.અરે પેલા મંખલી પુત્ર ગૌશાળાને પ્રભુ પર તેજોલેશ્યા છોડી છતાં પણ કરુણાસાગર પ્રભુએ કંઈ ના કર્યું,સંગમદેવે ઘોર ઉપસર્ગો કર્યા ત્યારે પ્રભુની આંખમાં આંસુ આવી ગયા.બિચારો મારૂં નિમિત પામી ડૂબી જશે ચંડકૌશિક ડંખ માર્યો છતાં બોધ આપી દેવલોકે મોકલ્યો. ગોવાળીયાના ઉપસર્ગ દ્વારા પગમાં ચૂલો કરી ખીર રાંધી, કાનમાં ખીલા ઠોક્યા કટપૂતના દેવીનો શીત ઉપસર્ગ બીજા અનાર્ય દેશમાં ઘણા ઉપસર્ગો થવા છતાં પ્રભુવીર ધીર રહ્યા.તેઓનું એક જ સૂત્ર હતું સામો થાય આગ તો તમે થશો જો પાણી આપણે એ પ્રભુના આદર્શો ભૂલી ગયા છીએ મોહને વશ થઈ કષાયની વૃત્તિ કેળવી વેરની ગાંઠો બાંધી રાગ-દ્વેષના બીજ વાવ્યા છે ‘ખામી સવ્વજીવે’ નો પાઠ બોલશું સર્વ જીવોને ખમાવવાના છે.આ બાજુ જો એક જીવ બાકી રહે તો અસત્યભાષણ થશે.શાસ્ત્રીય રીતે આત્માનો વિકાસક્રમ ગુણસ્થાનકની ચઢતીએ છે.જ્યારે ગુણસ્થાનકની ચઢતી કષાયની મંદતા પર છે.

