

પ્રાચીન સમયમાં ગુજરાતને ગૌરવ અપાવનારું વડનગર એ આધુનિક ગુજરાતનું પણ એક ઉજ્જવળ નગર બનવા તરફ ઝડપથી નવો આકાર પામી રહ્યું છે મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વડનગરમાં પૂર્ણ થયેલાં અને નિર્માણાધીન વિવિધ પ્રોજેક્ટસની સમીક્ષા બેઠક,જિલ્લાના અધિકારીઓ સાથે હૉટેલ તોરણમાં યોજાઇ હતી. આ બેઠકમાં વડનગરમાં ટુરિઝમ વિભાગે તૈયાર કરેલા ગાઇડ અને વૉલેંટિયર્સ સાથે તેમણે વાતચીત કરીને, તેમની કામગીરીના અનુભવ જાણ્યા હતા. આગામી સમયમાં વડનગર હવે પોતાની ભવ્ય વિરાસતના વારસા સાથે આધુનિક કદમ ભરતું, એક અતિ ભવ્ય પ્રવાસન સ્થળ તરીકે આકાર પામવાનું છે ત્યારે અનેક લોકોને ગાઇડની જરૂર પડશે.વડનગરના યુવાઓને અત્યારથી જ એ માટે કામ સોંપાયું છે. યુવાઓ અને સ્થાનિક લોકો વડનગરના ઇતિહાસ,વૈભવ વારસો, પ્રવાસનનાં અન્ય સ્થળોની જાણકારી મેળવી શકે એ માટે ૭ સ્થળે , ટુરિઝમ વિભાગે તૈયાર કરેલા ગાઇડ અને વૉલેંટિયર્સની અલગ-અલગ ૭ ટીમો બનાવી, તેમની વચ્ચે તા.૨૬ એપ્રિલ,૨૦૨૨ના રોજ એક સ્પર્ધાનું આયોજન કરાયું છે.જેમાં પ્રથમ આવનાર ટીમને કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલ તરફથી રૂ.૧૧,૦૦૦ આપવાનું નક્કી કરાયું છે. સ્થાનિક લોકોને અને બહારના લોકોને વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાઇ રહેલા વડનગર વિશે માહિતી પ્રાપ્ત થાય એ માટે પ્રતિ સપ્તાહે કલેક્ટર શ્રી અગ્રવાલ ઇનિશિયેટિવ લઇને અનેક કાર્યક્રમો યોજતા રહે છે. સમીક્ષા બેઠકમાં તેમણે અનેકવિધ પ્રોજેક્ટસની વિગતો મેળવી અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ . ઓમપ્રકાશ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ઇંદ્રજિતસિંહ વાળા, વડનગર માટે નિયુક્ત ખાસ ફરજ પરના અધિકારી આર.આર.ઠકકર,ટુરિઝમના અને આર્કિયોલોજી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
