ઉદ્યોગો તરફથી આવેલા પ્રતિનિધિઓએ મૂંઝવતા સવાલો પૂછીને નિરાકરણ મેળવ્યું તથા સૂચનો પણ કર્યા








વડોદરા જિલ્લાના નંદેસરી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અધ્યક્ષતામાં તથા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન, રોજગાર અને તાલીમના નિયામકના ઉપક્રમે “ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા વિભાગના ઉદ્યોગો અને તેના તરફથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.. ઉદ્યોગો તરફથી આવેલા પ્રતિનિધિઓએ ઉદ્યોગોની જરૂરિયાત, માંગ આધારિત કૌશલ્ય વિકાસ કાર્યક્રમ અને અભ્યાસક્રમ, વર્કશોપ અને કામદારો સંબંધિત મૂંઝવતા પ્રશ્નો પૂછ્યા..આ પ્રશ્નોનું રોજગાર અને તાલીમ વિભાગના નિયામક અને સહાયક નિયામક તરફથી નિરાકરણ આપવામાં આવ્યું. આ ઉપરાંત ઉદ્યોગોએ રાજ્યના રોજગારી અને તાલીમ વિભાગ તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. રોજગાર અને તાલીમ વિભાગ તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ઉદ્યોગોને સૌથી પહેલા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન વિશે સમજણ આપવામાં આવી. તથા ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી અને કુશળ યુવાનોના કૌશલ્યવર્ધન તથા હિત માટેની કેન્દ્ર તથા રાજ્ય સરકારની અલગ-અલગ યોજના અને તાલીમ કાર્યક્રમોથી વાકેફ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રોજેક્ટ સંકલ્પ, સક્ષમ, રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ (NAPS), મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજન (MATS) અને મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના (MBKVY) જેવી અલગ-અલગ યોજનાઓનો ઉદ્યોગો લાભ કઇ રીતે લઇ શકે તે ડોક્યુમેન્ટ્રી તથા પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજાવવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ઉદ્યોગો તરફથી આવેલા પ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવી હતી અને સૂચનો પણ કરવામાં આવ્યા હતા. પ્રશ્નોતરી દરમિયાન અલગ-અલગ ઉદ્યોગના પ્રતિનિધિઓ તેમને નડતી મુશ્કેલીઓ અને યોજનાને ઉંડાણપૂર્વક સમજવા સંબંધિત અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જેમના તેમને સંતોષકારક જવાબ મળ્યા હતા. આર આર કેબલ તરફથી આવેલા પ્રતિનિધિ બ્રિજેશભાઇ પટેલે કાર્યક્રમના અંતે કહ્યું કે, “આ કાર્યક્રમથી નાના-નાના એકમો કે જેમની પાસે પૂરતી માહિતી નથી. તેમને પૂર્ણ અને સંતોષકારક માહિતી મળી છે, તથા ઉદ્યોગોને સરકારી યોજનાનો લાભ કઇ રીતે મળે અને કેટલો મળે તે વિશે પણ સગવડતાથી જાણકારી મળી છે”..ઉદ્યોગો તરફથી આવેલા અન્ય પ્રતિનિધિઓએ પણ કાર્યક્રમને સફળ ગણાવ્યો હતો. આ કાર્યક્રમમાં રોજગાર અને તાલીમ વિભાગના નિયામક શ્રી લલીત નારાયણ સંધુ, ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનના સહાયક નિયામક શ્રી દિપક મકવાણા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના પ્રાદેશિક નાયબ નિયામક, શ્રી આર આર પટેલ, તાલીમ વિભાગના સહાયક નિયામક શ્રી કે બી પટેલ અને નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન શ્રી બાબુભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
