
૧૦૮ સેવાના ૯૦ કમર્ચારીઓને કલેકટર-ડીડીઓના હસ્તે ઈએમ કેર એવોર્ડ પણ એનાયત કરાયા

આરોગ્ય ક્ષેત્રે દેશ માટે પથદર્શક બનતુ ગુજરાત મોડલઃ ૧૦૮ સીઓઓ જશવંત પ્રજાપતિ
લોકોના જીવ બચાવવા માટે સતત દોડતી રહેતી ૧૦૮ ઈમરજન્સી એબ્યુલન્સ સેવાના દક્ષિણ ગુજરાતના પાયલોટોનું ૨૬ મે પાયલોટ ડે નિમિત્તે વલસાડ સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમમાં કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના હસ્તે સન્માન કરાયું હતું. સાથે જ જીવીકે ઈએમઆરઆઈના સ્ટાફને વિવિધ કેટેગરીમાં ૯૦ એવોર્ડ એનાયત કરાયા હતા. ઈએમ કેર અને વેટ કેર પુસ્તિકાનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. આ કાર્યક્રમમાં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ ૧૦૮ સેવાના તમામ કર્મચારીઓની કામગીરીને બિરદાવી એવોર્ડ અને મેડલથી સન્માનિત થયેલા કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. ૧૦૮ સેવાના ગુજરાત રાજ્યના સી.ઓ.ઓ( ચીફ ઓપરેટીંગ ઓફિસર) જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, આરોગ્ય ક્ષેત્રે ૧૦૮ ની સેવા ૧૭ રાજ્યોમાં કાર્યરત છે પણ તેમાં ગુજરાતનું મોડલ દેશ માટે પથદર્શક બની રહ્યું છે. આગામી દિવસોમાં યુએસ અને યુકેમાં કોઈપણ ઈમરજન્સી માટે માત્ર એક જ નંબર હોય છે તેમ આપણે ત્યાં પણ પોલીસ, ફાયર અને આરોગ્યથી માંડીને તમામ ઈમરજન્સી સેવા માત્ર એક જ નંબર ડાયલ કરવાથી મળી રહે તે માટે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જે આગામી ટૂંક સમયમાં તૈયાર થઈ જશે તેમ જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટ જેમકે ૧૦૮ ઈમરજન્સી સેવા, ખિલખિલાટ સેવા, વુમન હેલ્પલાઈન, મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી, મોબાઈલ હેલ્થ યુનિટમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા કુલ ૯૦ કર્મચારીને સેવિયર એવોર્ડ, પ્રામાણિકતા એવોર્ડ, બેસ્ટ કેસ વુમન હેલ્પલાઈન, બેસ્ટ કેસ મોબાઈલ વેટેરનરી ડિસ્પેન્સરી એવોર્ડ તથા વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વલસાડ ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ, ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટીવ વિજય ગામીત અને ૧૦૮ વલસાડની ટીમે જહેમત ઉઠાવી હતી. સંચાલન મોબાઈલ હેલ્થ યુનિટના મેડિકલ ઓફિસર ડો. પલ્લવિકા પટેલે કર્યું હતું. આભાર વિધિ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સંજય ઢોલાએ કરી હતી. અંતે કેક કાપી પાયલોટ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
