
એક સમય હતો જ્યારે ગાંધીધામ તાલુકાના શિણાય ગામની મહિલાઓ માથે બેડા લઇને દૂર સુધી પાણી ભરવા જતી હતી. તો અનેક લોકો ટેન્કર દ્વારા પાણી મેળવતા હતા. આ સ્થિતિમાંથી મહિલાઓને છૂટકારો આપવા ગામની જ કેટલીક મહિલાઓએ નિર્ધાર કર્યો અને તેઓની વ્હારે આવી ગુજરાત સરકારની હર ઘર જલ યોજના. વાસ્મો સાથે જોડાણ કરીને આજે આખું ગામ નળ વાટે પાણી મેળવી રહ્યું છે. ઉપરાંત નવી બનતી સોસાયટી વિસ્તારોમાં પણ આ યોજના લાગુ પાડવા અહીંની મહિલાઓ દ્વારા સંચાલિત પાણી સમિતિ સક્રીય કામગીરી કરી રહી છે.

પાણી સમિતિના ચેરમેન ઉષાબેન આહિર બેડાથી ઘરે ઘરે પાણી પહોંચાડવા સુધીની સફર વિશે વાત કરતા જણાવે છે કે, એક સમય હતો મહિલાઓ કુવામાંથી પાણી ભરવા દૂર સુધી પગે ચાલીને જતી. અનેક લોકો ટેન્કર દ્વારા પાણી મેળવવા મોટો ખર્ચ કરતા હતા. આમ સમય, શક્તિ અને નાણા તમામનો વેડફાટ થતો હતો. ખાસ કરીને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી ભોગવવી પડતી હતી. ત્યારે એવું કંઈક કરીએ કે મહિલાઓને આ રઝળપાટમાંથી મુક્તિ મળે તેવો મહિલાઓએ નિર્ધાર કર્યો હતો. તે સમયે વાસ્મોની કામગીરી અંગે અને સરકારશ્રીની યોજના અંગે જાણકારી મળતા અમે વર્ષ ૨૦૦૯થી વાસ્મો સાથે જોડાણ કરીને લોકભાગીદારીથી આ યોજના સાકાર કરવા કામગીરી શરૂ કરી. વીડી ગામ પાસે ૨ ગુંઠા જમીન બોર માટે મંજૂર કરાવીને ૩ લાખ લીટરનો સમ્પ અને એક લાખ લીટરનો હેડટાંકો બનાવ્યો. ગામમાં જુની લાઈનો બદલાવીને નવી લાઈનો નખાવી , ઘરે ઘરે નળ જોડાણ આપ્યા અને આ યોજનાના સફળ પરીણામનો સ્વાદ અને લાભ આજ સૌ ગ્રામજનો લઇ રહ્યા છે. આ સાથે જ પાણીનું વિતરણ અને વ્યવસ્થાપન યોગ્ય રીતે થતું રહે તે માટે સ્વતંત્ર પાણી સમિતિ બનાવી છે જેના ૧૩ સભ્યો છે જેમાં ૮ મહિલા સદસ્યા છે. આ સમિતિનું દફતર, મહેકમ, એકાઉન્ટ બધું જ પંચાયતના અન્ય વિભાગથી અલગ કાર્યરત છે. પાણી સમિતિની કોમ્પ્યુટરાઇઝ ઓફિસ છે જે કચ્છની પ્રથમ ઓફિસ છે. જેથી સમિતિ સ્વતંત્ર યોગ્ય રીતે કામ કરી શકે. ઉપરાંત સમિતિની સક્રીયતાથી લોકોને સ્વચ્છ, નિયમિત પાણી મળી રહ્યું છે સાથે જ દર વર્ષે ૧૦૦ ટકા પાણી વેરાની વસુલાત થાય છે. પાણી સમિતીને વિવિધ એવોર્ડ પણ મળ્યા છે. હાલ બીજા તબક્કામાં નવી સોસાયટી વિસ્તાર માટે ૨૫૯.૮૯ લાખના ખર્ચે કામગીરી ચાલુ છે.
ઉષાબેન વધુમાં જણાવે છે કે, જલ સે નલ યોજના સાકાર થતા ઘર આંગણે પાણી તો મળતું થયું છે પરંતુ મહિલાઓનો સમય અને ખર્ચ બચતા તે ઘરમાં બાળકોના શિક્ષણ અને સ્વરોજગારના કામોમાં ધ્યાન આપી રહી છે. તેઓ કચ્છની અન્ય મહિલાઓને સંદેશ આપતા જણાવે છે કે, જો મહિલા ધારે તો શું ન કરી શકે તેનું અમારૂ ગામ અને અહીંની મહિલાઓ ઉદાહરણ બની છે.
