લખપત લકીનાળા ચોકીના જવાનોને ગ્રામજનોએ સ્નેહભેર સોંપી રૂ. ૧.૨૫ લાખના સાધનોની ભેટ

                   દેશ હમેં દેતા હૈ સબ કુછ  હમ ભી તો કુછ દેના શીખે દેશ કો ……આ વાતને દેશના સરહદના પ્રહરી જવાનો માટે હર્ષભેર આકાર આપ્યો છે કચ્છ જિલ્લાના યુવાનો, ગ્રામજનો અને સાંખ્યયોગી બહેનોએ ટીપે ટીપે સરોવર ભરાયની જેમ રૂપિયે રૂપિયે લાખ રૂપિયા જમા થાય અને એ દેશને સમર્પિત જવાનોને એ જ જમા રાશિ સમર્પિત કરાય ત્યારે અસાંજો કચ્છ દરિયાદિલ લાગે છે. વાત માંડીને કરીએ તો દરીયાઇ સીમાની રક્ષા કરતા જવાનોને કાળઝાળ ગરમીમાં રાહત આપવા રૂ. સવા લાખના સાધનોની ભેટ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના જોડીયા ગામ સુખપર અને મદનપુરના યુવાનોના પ્રયત્ન અને સ્વામિનારાયણ મંદિરોના સહયોગથી પ્રેરણાદાયી કાર્ય થયું છે.  ૨૦૧૯ના પુલવામા આતંકી હુમલામાં વીરગતિ પામેલ જવાનોની શ્રદ્ધાંજલિ સભામાં તેમના પરિવારોના સહયોગ માટે સુખપર ગામે અડધો કલાકમાં રૂ. સાડા પાંચ લાખનું દાન એકત્ર કરીને સરકાર સુધી પહોંચાડેલ હતું. તે જ સમયે ગામના યુવાનોએ વિચાર મૂક્યો હતો કે હવેથી આપણે દરરોજનો એક રૂપીયો જવાનોને અર્પણ કરીશું  આ વિચારથી પ્રેરાઈને ગામના સ્વામિનારાયણ મંદિરોમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળના નામે દાનપેટીઓ મુકાઇ અને અત્યાર સુધી તેમાં એકત્ર થયેલી રૂ. સવા લાખ જેટલી ધનરાશીમાંથી કચ્છની કાળઝાળ ગરમીમાં દરીયાઇ સીમાની સુરક્ષા કરતા જવાનોને રાહત મળે તે હેતુથી એરકૂલર, ડીપ ફ્રિજ, પંખા, ઠંડાપાણી માટે જગ, પાણીની મોટી ટાંકીઓ, ટેબલ, ખુરશીઓ ઉપરાંત કચ્છી મેવો ખારેક અને કેસર કેરી જેવા ફળોના મોટા જથ્થા સાથે સુખપર અને મદનપુરના ભાઇઓ, બહેનો, યુવાનો અને મંદિરના સાંખ્યયોગી બહેનોએ સાથે મળીને લખપત નજીકની લકીનાળા ચોકી સ્થિત જવાનોને આ બધી વસ્તુઓ હાથોહાથ અર્પણ કરી હતી.   મંદિરના સાંખ્યયોગી બહેનો માટે આ પ્રકારે સરહદ દર્શન અને જવાનોને મળવાનો પ્રથમ પ્રસંગ હોઈ અર્પણ કરાયેલ વસ્તુઓમાં સ્વસ્તિક, ઓમ અને ભગવાનના નામ અંકિત કરી, કંકુ ચોખાથી વધાવીને ભગવાનના પ્રસાદ સાથે જવાનોને અર્પણ કરી આ શુભ કાર્યમાં જોડાયાના અહોભાવ સાથે સૈનિકોના સ્વાસ્થય અને સુરક્ષા માટે આશીર્વાદ આપ્યા હતા. સહયોગ બદલ આભારની લાગણી સાથે જવાનોએ પણ ગામના મંદિરે પધારી ભગવાનના દર્શન કરીને ત્યાગી બહેનોના આશીર્વાદ મેળવ્યા હતા.સમગ્ર કાર્યના સંકલનમાં ગ્રામના યુવાનો તેમજ યુવા કાર્ય કરતા સુરેશ વાઘાણી અને વાલજી વેકરીયા તેમજ ગામના મંદિરોના ટ્રસ્ટીશ્રીઓનો પણ ગ્રામજનો સાથે સુંદર સહયોગ મળ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *