













ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામા જુદા જુદા સ્થળોએ કાર્યક્રમ યોજીને ડાંગના પ્રભારી મંત્રી-વ-આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી નરેશભાઈ પટેલે, ખેડૂતોને ન્યુ ગુજરાત પર્ટન યોજના અંતર્ગત રતાળુ કંદની ખેતી/હળદરની ખેતી માટેના લાભો સહિત કેશ ક્રેડિટનુ પણ વિતરણ કર્યું હતુ. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરીકેનો જિલ્લો જાહેર કરવામા આવ્યો છે. ત્યારે પારંપરિક પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા રતાળુ/હળદરની ખેતી કરીને ખેડૂતો વધુ આવક મેળવી શકે તે માટે બિયારણ વિતરણ, તેમજ સખી મંડળની બહેનો આર્થિક ઉપાર્જનમા આગળ આવે તે માટે કેસ ક્રેડિટના ચેક વિતરણ કરવામા આવ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન, પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાને જયારે પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામા આવ્યો છે ત્યારે, ડાંગની જમીનને રસાયણ મુક્ત બનાવવી જોઈએ. સરકારી યોજનાઓનો બહોળા પ્રમાણમા લાભ લઇ તેનો ફાયદાકારક ઉપયોગ કરી ખેડૂતો આર્થિક રીતના મજબૂત થાય તે માટે મંત્રીશ્રીએ અપીલ કરી હતી. ખેડૂતો આર્થિક રીતના મજબૂત બનશે તો, સ્થળાંતરનો પ્રશ્ન હલ થઈ જશે, શિક્ષણ તરફ વધારે ધ્યાન આપી શકાશે. ડાંગના બાળકો શિક્ષણમા સારી સુવિધાઓ પ્રાપ્ત કરીને ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. ઉપસ્થિત પધધિકારીઓને મંત્રીશ્રીએ અપીલ કરી હતી કે, ડાંગ જિલ્લાના ખેડૂતોમા કામ કરવાની ધગશ છે, ત્યારે તેઓને યોગ્ય માર્ગદર્શન, સમજણ, પ્રેરણા અને ખેતી કરવાની આવડત અંગે માહિતી પુરી પાડીને તેઓ સારું ઉત્પાદન કરતા થાય, તેમજ તેઓ આર્થિક રીતના પગભર થાય તે જરૂરી છે. કંદમૂળ અને હળદર વિતરણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીતે જણાવ્યુ હતુ કે, કંદમૂળ આપણા જીવન સાથે જોડાયેલા છે, જ્યારે દુષ્કાળ પડતો ત્યારે લોકો કંદમૂળ ખાઈને જીવન ગુજારતા હતા. હાલે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે આ કંદનું વિતરણ કરવામા આવી રહ્યું છે. ત્યારે જિલ્લાના સૌ ખેડૂતોએ તેનો લાભ લઇ ઉપયોગ કરે તે જરૂરી છે. ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સરકાર તરફથી આપવામા આવતા કંદમૂળના બિયારણ નો સાચો ઉપયોગ કરીને આવનાર સમયમા અન્ય ખેડૂતો માટે આપણે બિયારણ ઉભું કરી શકીએ તે માટેના પ્રયાસ જરૂરી છે, કારણ તો જ સમાજ આગળ આવશે. સૌએ ડાંગ જિલ્લાનો ખેડૂતો કઈ રીતના આગળ આવે, તે બાબતે ચિંતન કરવું જરૂરી છે.
ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી દશરથભાઈ પવારે જણાવ્યુ હતું કે, ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તેઓ દ્વારા સૌ પ્રથમ વાર નજીકના મહારાષ્ટ્રમા થતી ડુંગળી અને લસણની યોજના મુકવામા આવી, જે બાદ ડાંગ જિલ્લાના પોણા ભાગના ખેડૂતો ડુંગળી અને લસણની ખેતી કરવા લાગ્યા છે. તેવી જ રીતના રતાળુ અને હળદરની ખેતી કરીને ડાંગના ખેડૂતો ખેતીના ઉત્પાદન થકી આર્થિક મજબૂતી મેળવે તે જરૂરી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તથા પ્રાયોજના કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમા ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવિન પંડ્યા, પ્રાયોજના વહીવટીદાર શ્રી કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નીલમબેન, મહામંત્રી શ્રી રાજુભાઇ ગામીત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન, તાલુકા પંચાયત સભ્યો, લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
