
રિપોર્ટ : બીના પટેલ
આણંદ – સોમવાર – સીસવા ગામે મહાનિયા મહાદેવ વિસ્તારમાં રહેતા કિશનભાઇ ઠાકોર કે જેઓ ભારે વરસાદના કારણે વાઘરી વાસ વિસ્તારમાં લોકો પાણીમાં ફસાયેલા લોકોને ગ્રામ ભોજન આપવા જતા તેમનો પગ લપસી જતા તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ગઈકાલે જ તેમનો મૃતદેહ એન.ડી.આર.એફની ટીમે શોધી કાઢ્યો હતો.
મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ તેમના ઘરની મુલાકાત લઈ મૃતક કિશનભાઈ ઠાકોરના માતાશ્રી કમળાબેનને રૂબરૂ સાંત્વના આપી સરકારશ્રી દ્વારા સહાયની રકમનો રૂ. ચાર લાખનો ચેક એનાયત કર્યો હતો.
આ પ્રસંગે મૃત્યુ પામેલ કિશનના બે ભાઈઓ સુનીલ અને મહેન્દ્ર પણ હાજર હતા મંત્રીશ્રીએ ફળિયાના મહિલાઓને રૂબરૂ મળીને કુદરતી આફતમાં સૌએ એકબીજાને મદદરૂપ થવા જણાવ્યું હતું.
બોરસદ,કઠોલ અને સીસવા ગામે જે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા તે ત્રણેય વ્યક્તિઓના પરિવારજનોને મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે રૂ.ચાર ચાર લાખની સહાયના ચેક આપવામાં આવ્યા હતા.
મંત્રીશ્રીએ એનડીઆરએફ ટીમની પણ મુલાકાત લીધી હતી એનડીઆરએફ ટીમના ઇન્સ્પેક્ટર શ્રી વિજયકુમારને તેમની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે તમે ખરા સમયે કુદરતની આફતમાં રાત દિવસ જોયા વગર ખૂબ જ મહેનત કરી છે. મંત્રીશ્રીએ ટીમને ખરા દિલથી અભિનંદન પાઠવવા સાથે જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી અભિનદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ પટેલ વાડી ખાતે ઉપસ્થિત ૨૦૦ કરતાં વધારે મહિલાઓને સાડી અને ધાબડાનું વિતરણ કર્યું હતું.
આ વેળાએ મંત્રીશ્રીની સાથે સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હંસાબેન પરમાર, કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, બોરસદના પ્રાંત અધિકારી શ્રી જય કુમાર બારોટ, મામલતદાર શ્રી આરતી ગોસ્વામી, અગ્રણી શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી રમણભાઈ સોલંકી, ચીફ ઓફિસર શ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, ગામના સરપંચ સહિત ગામ આગેવાનો હાજર રહ્યા હતા.