
મહત્તમ યુવાનો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ શકે તે માટે ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમને અનુલક્ષીને મતદાર નોંધણી અધિકારીઓને અપાઈ તાલીમ
અધિકારીઓ, ૩૨ નાયબ ચૂંટણી અધિકારીઓ અને ૩૩ સિસ્ટમ સુપરવાઈઝર્સને નવીન ફોર્મ્સ અને સ્વિપ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની પૂર્વતૈયારીઓ આરંભી દેવામાં આવી છે ત્યારે મતદાર નોંધણી અધિકારીઓ, નાયબ ચૂંટણી અધિકારીઓ તથા સિસ્ટમ સુપરવાઈઝર્સને મતદાર તરીકે નોંધણી, મતદાર ઓળખપત્રને લગતા નવા ફોર્મ તથા સ્વિપની કામગીરી સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા વડોદરા, અમદાવાદ અને રાજકોટ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમ્યાન અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે. પટેલે જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકે નામ નોંધણી કરાવવા વર્ષ દરમ્યાન લાયકાતની ચાર જુદી-જુદી તારીખો નક્કી કરવામાં આવી છે. જે મુજબ તા.૦૧લી ઓક્ટોબરના રોજ મતદાર તરીકેની યોગ્યતા ધરાવતા હોવ એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તો મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે. જેનાથી મહત્તમ યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવાનો અવસર મળશે. યુવાનોની મતદાર તરીકે નોંધણી થાય અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું કે, આજના હાઈટેક યુગમાં મોટાભાગનો યુવાવર્ગ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ અને ટ્વિટર જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ થકી ઈ-પોસ્ટર, ઑડિયો-વિડિયો સંદેશ, રિલ્સ વગેરેનો મહત્તમ ઉપયોગ ઈલેક્ટોરલ રોલના કેમ્પેઈનિંગ અને મતદાર જાગૃતિ માટે કરવામાં આવે તો વધુને વધુ યુવાનો સુધી ચૂંટણીલક્ષી શિક્ષણ અને માહિતી ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાશે. સાથે જ સ્થાનિક ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે સંકલન કરી મતદારયાદી સુધારણા, ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કા, મતદાન મથક સ્થળની જાણકારી અને EVM તથા VVPAT નિદર્શન સહિતની બાબતોનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. વધુમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઉમેર્યું કે, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં કાયમી હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવવા અને હેલ્પ ડેસ્ક શરૂ કરવા ઉપરાંત કેમ્પસ એમ્બેસેડર અને યુવા મતદાર મહોત્સવ દ્વારા મહત્તમ યુવાનોને ચૂંટણી પ્રક્રિયામાં સાંકળી લેવામાં આવે તે દિશામાં નક્કર આયોજન અને પ્રયાસો થવા જોઈએ. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો ભારત દેશ સૌથી વધુ યુવાવર્ગ સાથે ‘યંગ નેશન’ તરીકે ઉભરી રહ્યો છે. ભારતમાં મહત્તમ યુવાનો છે અને આ યુવા મતદારો પોતાના મત થકી લોકશાહીનું જતન કરવામાં સક્ષમ છે ત્યારે યુવાનો પોતાના મતની તાકાતથી વાકેફ થાય અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાય તે માટે જાહેર સ્થળોએ બેનર્સ, હોર્ડિંગ્સ, એલ.ઈ.ડી. સ્ક્રિન, થીયેટરમાં સ્લાઈડ, કેમ્પસ એમ્બેસેડર, ઈલેક્ટોરલ લિટરસી ક્લબ, કમ્યુનિટી રેડિયો, સ્થાનિક ચેનલ્સ, સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ સહિતના માધ્યમો થકી ચૂંટણી પ્રક્રિયા અંગે શિક્ષણ અને માહિતી મેળવે અને મતદાન અંગે જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો કરવા તાલીમમાં વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવા મતદારોની નોંધણીની સાથે સાથે સ્થળાંતર કરતાં શ્રમિકો, મહિલાઓ, દિવ્યાંગજનો તથા થર્ડ જેન્ડર નાગરિકોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે તે માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ થકી તેમને જાગૃત કરવા પણ અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત લોકપ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ (૧૯૫૦નો ૪૩મો)ની કલમ-૨૮ મુજબ કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતના ચૂંટણી પંચના પરામર્શમાં તા.૧૭/૦૬/૨૦૨૨ના નોટીફિકેશનથી મતદાર નોંધણી (સુધારા) નિયમો, ૨૦૨૨ હેઠળ નવા મતદારોની નોંધણી અને સુધારા સહિતના નવીન ફોર્મ વધુ સરળ બનાવવામાં આવ્યા છે. જેમાં મતદાર તરીકે નામ નોંધાવા ફોર્મ નં.૦૬, મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ નં.૦૭ અને મતદારયાદીમાં નામ, સરનામુ, ફોટોગ્રાફ સહિતની વિગતોમાં સુધારો કરાવવા માટે ફોર્મ નં.૦૮ ભરવા અંગે ચૂંટણી પ્રક્રિયા સંલગ્ન અધિકારીઓને વિગતવાર સમજૂતિ આપવામાં આવી હતી. ગત તા. ૨૯ જૂનના રોજ વડોદરા ખાતે યોજાયેલી તાલીમમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, મહિસાગર અને છોટા ઉદેપુર જિલ્લાના ચૂંટણી સંલગ્ન અધિકારીઓ, તા.૩૦ જૂનના રોજ અમદાવાદ ખાતે યોજાયેલી તાલીમમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા અને અરવલ્લી જિલ્લાના ચૂંટણી સંલગ્ન અધિકારીઓ તથા તા.૦૨ જુલાઈના રોજ રાજકોટ ખાતે યોજાયેલી તાલીમમાં કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ અને બોટાદ જિલ્લાના ચૂંટણી સંલગ્ન અધિકારીઓ મળી ૧૮૦ મતદાર નોંધણી અધિકારીઓ, ૩૨ નાયબ ચૂંટણી અધિકારીઓ અને ૩૩ સિસ્ટમ સુપરવાઈઝર્સ મળી કુલ ૨૪૪ અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી.
