નર્મદા જિલ્લો : વિકાસ રથનું રાજપીપલા શહેરમાં નગર પાલિકા કચેરી ખાતે આગમન થતા ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા ઢોલ નગારા સાથે કરાયું ભવ્ય સામૈયું

નગર પાલિકાના સભાખંડમાં યોજાયેલા કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને કિટ વિતરણ અને યોજનાકીય મંજૂરી હુકમ પત્રો એનાયત કરાયા

શૈશવ રાવ

ગુજરાત સરકારશ્રીની ૨૦ વર્ષની વિકાસયાત્રાના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ગામેગામ ભ્રમણ કરી રહેલી "વંદે ગુજરાત વિકાસયાત્રા" આજે રાજપીપલા નગર પાલિકા કચેરી ખાતે આવી પહોંચી હતી. વિકાસ રથ રાજપીપલા નગરપાલિકા કચેરીના પ્રાંગણમાં પહોંચતા નગર પાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, નગર પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ, શહેરીજનોની ઉપસ્થિતિમાં ઢોલ નગારા સાથે શાળાની બાળાઓના હસ્તે કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 
         ગુજરાત સરકારશ્રીની વિકાસની સિધ્ધિઓને નગરજનોના ઘર આંગણે લઈને આવેલા રથમાં વિકાસગાથાની અનેક ટૂંકી ફિલ્મો દર્શાવાતા નગરજનોએ તેને નિહાળી હતી. ત્યારબાદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી હેમંતભાઈ માછી, ચૂંટાયેલા વિવિધ વોર્ડના જનપ્રતિનિધિશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાહુલભાઈ ઢોડિયા અને વિવિધ યોજનાના લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં ચીફ ઓફિસરશ્રી રાહુલ ઢોડિયાએ વંદે ગુજરાત વિકાસયાત્રા અંગે પૂર્વ  ભૂમિકા બાંધ્યા બાદ આ વિકાસ યાત્રા અંગેની વિસ્તૃત સમજ આપી હતી. બાદમાં સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો, કિટ્સ અને યોજનાકીય મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. 
       કાર્યક્રમના અંતે વંદે ગુજરાત વિકાસયાત્રા સાથે ઠેર ઠેર ભ્રમણ કરી રહેલા સામાજિક વનીકરણ વિભાગના વૃક્ષરથ દ્વારા નગરજનોને વિવિધ રોપાઓનું વિતરણ કરી વૃક્ષારોપણ કરી છોડની યોગ્ય માવજત કરવા અપીલ કરાઇ હતી. ત્યારબાદ નગર સેવકો અને ચીફ ઓફિસરશ્રી દ્વારા રથ સમક્ષ શ્રીફળ વધેરી નગરપાલિકા વિસ્તારમાં ભ્રમણ  માટે  લીલી ઝંડી આપી રવાના કર્યો હતો. આ વિકાસ યાત્રા રથ દિવસ દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ  યાત્રાની ગાથાને જનજન સુધી પહોંચાડવા ફિલ્મ નિદર્શન કરીને પ્રજાજનોને વિકાસની ઝાંખી કરાવવામાં આવી રહી છે.  
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM