
આણંદ જિલ્લાના ૪.૩૦ લાખથી વધુ શહેરી-ગ્રામ્ય વિસ્તારોના મકાનો પર રાષ્ટ્રના ગૌરવ સમાન ત્રિરંગો તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન લહેરાશે

‘‘હર ઘર ત્રિરંગા’’ અંતર્ગત જિલ્લાના નાગરિકોને પોતાના ઘર – મકાનો પર રાષ્ટ્રધ્વજને લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને પ્રબળ બનાવવાની અપીલ કરતા જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી

રિપોર્ટ : બીના પટેલ
આણંદ ખાતે જિલ્લાની નગરપાલિકાઓ-જિલ્લા/તાલુકા પંચાયતના પ્રમુખ – સદસ્યો – પદાધિકારીઓ સાથે ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમના સુચારૂં આયોજન અર્થે બેઠક યોજાઈ આણંદ જિલ્લા માં સમગ્ર દેશમાં આઝાદીના ૭૫મા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ-દેશનું અભિમાન-ત્રિરંગો હર ઘરની શાન બને તે માટે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ જિલ્લાના નાગરિકોને પોતાના ઘર – મકાનો પર તા.૧૩ થી ૧૫ દરમિયાન રાષ્ટ્રધ્વજને લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવાની અપીલ કરી છે. આણંદ જિલ્લામાં ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમના સુચારૂં આયોજન અર્થે આજે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ ખાતે જિલ્લાની તમામ નગરપાલિકાઓ-જિલ્લા/તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ અને પદાધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેકટર શ્રી દક્ષિણીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, જન-જનમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે લોકોમાં સન્માનની ભાવના વધુ બળવત્તર થાય તે માટે આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમ યોજાઈ રહયો છે. શ્રી દક્ષિણીએ જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના મળી ૪.૩૦ લાખથી વધુ ઘર – મકાનો પર રાષ્ટ્રના આન-બાન-શાન સમાન ત્રિરંગો લહેરાય તે માટેનું આયોજન કરવામાં આવી રહયું હોવાનું જણાવી જિલ્લાના તમામ ઘરો સહિત, દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજિયક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને નાગરિકોમાં અને ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં વધુ દેશદાઝની ભાવના વધુ પ્રબળ બને તે માટેના કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત સર્વેને આજની યુવા પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને ઝંકૃત કરવા માટે સેલ્ફી પોઇન્ટ બનાવવા સહિત જન-જનમાં હર ઘર ત્રિરંગાની જાગૃતિ આવે તે માટે પ્રભાતફેરી, શાળાઓમાં ચિત્ર, નિબંધ, વકતૃત્વ, રંગોળી જેવી હરિફાઇઓનું આયોજન કરવા ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવા જેવી વિવિધ બાબતોને આવરી લેવા પ્રેરક સૂચન કર્યું હતું. કલેકટરશ્રીએ હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર-રાજય સરકાર દ્વારા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી આગામી તા. રજી ઓગસ્ટના રોજ સવારના ૮-૦૦ કલાકે કરમસદ સરદાર પટેલ મેમોરિયલ હોલથી આણંદ ટાઉનહોલ સુધી હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત નાગરિકોમાં ઉત્કૃષ્ટ રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે યોજાનાર સાયકલોથોનના આયોજનની માહિતી આપી તેમાં આણંદ શહેર સહિત જિલ્લાના નાગરિકોને જોડાવા અપીલ કરી છે. શ્રી દક્ષિણીએ આણંદ જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં આકાર પામી રહેલ ૭૫ અમૃત સરોવરોની વિગતો આપી આ અમૃત સરોવર રમણિય બને તે દિશામાં આયોજન કરવાનું સંબંધિતોને સૂચન કરી આગામી તા. ૧૫મી ઓગસ્ટના રોજ જિલ્લાના ૨૦ અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર ત્રિરંગા નો નવતર કાર્યક્રમ હાથ ધર્યો છે તેમ જણાવી આ સમય દરમિયાન જિલ્લાનું એકપણ મકાન ત્રિરંગા લહેરાવ્યા વગર ન રહે તે જોવાનું આહવાન કર્યું હતુ. જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવવામાં આવી રહેલ હર ઘર ત્રિરંગા કાર્યક્રમ દરમિયાન જિલ્લાના તમામ નાગરિકોને ભારતના નાગરિક તરીકે સ્વતંત્રતાની ચળવળમાં બલિદાન આપનાર શહીદ વીરો પ્રતિ સન્માન અને દેશની આન-બાન-શાન સમાન દેશનું ગૌરવ-દેશનું અભિમાન ત્રિરંગો હર ઘરની શાન બને અને જન-જનમાં ઉત્કૃષ્ટ રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવા તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ત્રિરંગાને લહેરાવવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના સહિત જિલ્લાની તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, જિલ્લાની તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા, જિલ્લા/તાલુકા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરો, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

