
વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત લાભાર્થી બહેનોને મંજુરી હુકમો કરાયા એનાયત

ઔદ્યોગીક ક્ષેત્રે આત્મનિર્ભર બનેલ મહિલાઓને સન્માનપત્ર આપી જાહેરમાં કરાયુ વિશેષ સન્માન
કમલમ ન્યુઝ પંચમહાલ જતીન સોની
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તીકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પહેલી થી સાત ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.


નારી વંદન ઉત્સવ અંતર્ગત આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ત્રિમંદીર, ભામૈયા ખાતે “મહિલા સ્વાવલંબન દિવસ”ની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી.કાર્યક્રમની શરુઆત સ્વાગત, પ્રાર્થનાગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.


આજના આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કુ.કામિનીબેન સોલંકીએ પોતાના ઉદ્દ્બોધનમાં જણાવ્યું હતું કે જિલ્લાની આશાવર્કર બહેનોની મહેનત થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોચ્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશની મહિલાઓને વિવિધ ક્ષેત્રે વિશેષ સ્થાન મળ્યું છે. આજે સરકારશ્રીની વિવિધ યોજનાઓ પૈકી ૧૭૮ યોજનાઓ ફક્ત મહિલાઓ માટે ચાલે છે. તેમણે દીકરીઓને ભણતરની સાથે ગણતર અને આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત લાભાર્થી બહેનોને વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મંજુરી હુકમો એનાયત કરાયા હતા. એમ.એમ.વાય યોજનાના લાભાર્થી બહેનોને અનાજ કીટ તથા ઔદ્યોગીક ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સ્ટેજ પરથી ટ્રોફી આપીને સન્માનપત્ર એનાયત કરાયા હતા.
આજના આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા બહેનોના લાભ અર્થે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં આરોગ્યવિભાગ દ્વારા રસીકરણની સુવિધા,સ્ક્રિનિંગની સુવિધા,રાષ્ટ્રીય મેલેરીયા,રકતપિત્ત અને ક્ષય નિવારણ કેમ્પ પણ ઉભો કરાયો હતો. હેલ્થ એન્ડ વેલનેસ તથા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની સુવિધા કરાઈ હતી. સખી વન સ્ટોપ સેન્ટર, બહેનોને આપાતકાલીન સેવા, કાયદાકીય સેવા, પોલીસ સહાય, તબીબી સહાય, સામાજીક સમસ્યામાં પરામર્શ બાબતે માહિતગાર કરાયા હતા.


મહીલાઓ આત્મનિર્ભર બને રોજગારી પ્રાપ્ત કરે તે આશયથી શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જીલ્લા રોજગાર કચેરી ગોધરા દ્વારા કલસ્ટર મેગા જોબફેરનુ આયોજન કર્યુ હતું જેમાં પંચમહાલ અને આજુબાજુ જીલ્લાના ૧૦ થી વધુ એમ્પલોયર હાજર રહેલ હતા જેઓ દ્વારા ૮૦૦ થી વધુ ખાલી જગ્યા માટે આજે ઈન્ટરવ્યુ કરીને પ્રાથમીક પસંદગી માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

વાત કરીએ પંચમહાલ જિલ્લાની તો આજે આ જિલ્લો પશુપાલન અને સ્વ રોજગારી બાબતે આત્મનિર્ભર બન્યો છે. આજે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોચ્યો છે. આજે વિજળી,આરોગ્ય,ખેતી,પશુપાલન તથા દેશના અગ્રિમ સ્થાનો પર મહિલાઓ બિરાજમાન થઈ છે.

આજના આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી સુજલ માયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક શ્રી એસ. ડી. તબિયાર, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી રોહન ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાભોર, ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુનીતાબેન બારિયા, મોરવા હડફ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન, જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સવિતા બારિયા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સામાજિક ન્યાય અધિકારીતા ચેરમેન શ્રી મણિબેન સોલંકી, દહેજ પ્રબંધક અધિકારી શ્રી કિરણબેન સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

