

વિવિધ ક્ષેત્રે કાઢુ કાઢનાર જિલ્લાની 11 મહિલાઓનું સન્માન કરાયું


વલસાડમાં “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિનાં અધ્યક્ષ રંજનબેન પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતનાં રાજીવગાંધી સભાગૃહ ખાતે થઈ હતી. જેમાં વિશિષ્ટ કામગીરી બદલ વિવિધ ક્ષેત્રે કાઠુ કાઢનાર 11 મહિલાઓનું સન્માન કરાયું હતું. મહિલા અને બાળ અધિકારી કમલેશ ગિરાસે દ્વારા મહિલા નેતૃત્વ દિવસ વિશે પ્રાસંગિક ઉદ્દ્બોધન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ૩ મહિલા સરપંચશ્રીઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા સફળ ખેતીવાડીની કામગીરી માટે ૩ અને જિલ્લાના શ્રેષ્ઠ મહિલા પશુપાલક તરીકે ૩ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક ક્ષેત્રે સારી કામગીરી કરનાર 2 બહેનોને સન્માનિત કરાઈ હતી. ત્યાર બાદ મહિલા અને બાળ વિકાસ સમિતિનાં અધ્યક્ષ રંજનબેન પટેલે મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તાલુકા પંચાયત સભ્ય દેવાંશીબેને મહિલાઓ સરકારની યોજનાઓનો લાભ લઇ સ્વ-નિર્ભર બને એ વિશે ઉદ્દ્બોધન કર્યું હતું. આ બેઠકમાં મહિલા અને બાળ અધિકારીશ્રી કમલેશ ગિરાસે, જિલ્લા પંચાયતના સદસ્ય મિતલબેન, જિલ્લા પંચાયત ચીટનીશ રાજેંદ્નસિંહ પરમાર, તાલુકા પંચાયતના સભ્ય દેવાંશીબેન તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત ચીટનીશ રાજેંદ્નસિહ પરમારે આભારવિધિ કરી હતી.
