
ૐ નમઃ શિવાય અને હરહર મહાદેવના નાદથી વહેલી સવારથી જ આ મંદિર ગૂંજી ઉઠે છે

સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મંદિરે આવતા તમામ શિવભક્તોની મનોકામનાઓ થાય છે પૂર્ણ






ભુજથી વીસ કિલોમીટરના અંતરે કેરાથી ગજોડના રસ્તે આવેલું ટેકરી પરનું જડેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં શ્રાવણ માસમાં જામે છે ભક્તિનો માહોલ અને એમાય શ્રાવણ માસના સોમવારે ૐ નમઃ શિવાય અને હરહર મહાદેવના નાદથી વહેલી સવારથી જ આ મંદિર ગૂંજી ઉઠે છે. ઉગતા સૂર્યથી પહેલા પ્રાતઃ આરતી અને સાંય આરતી મોડી સાંજે થતી હોય છે. જેના દર્શન માત્રથી મંદિરે આવતા તમામ શિવભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી લોકવાયકા છે.
મંદિરના ઈતિહાસની વાત કરીએ તો આજથી 40 વર્ષ પહેલાં પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશચંદ્ર છાયા અને એમના મિત્રો ગજોડ રોડ પરની ટેકરીઓમાં ફરવા ગયા હતા ત્યારે મૂર્તિના દર્શન થતા ત્યાં ખોદકામ કરતા શિવલિંગ મળી (જડી) આવેલ તેથી આ મંદિરનું નામ જડેશ્વર રાખવામાં આવેલ. ત્યારબાદ મૂળ માનકુવાના અને બ્રિટન વસતા રમાબેન શિવજી વરસાણીને ભગવાન શિવે સ્વપ્નમાં મંદિર બાંધવાની પ્રેરણા આપતા એ વખતમાં રમાબેને અગિયાર હજાર દાન આપીને નાની દેરી બંધાવી આપી હતી. અને પછી સમયાંતરે વિકાસ થતા ડુંગરોની વચ્ચે વિશાળ પરિસરમાં મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં મહાદેવ ઉપરાંત રામ દરબાર, શેષનાગ પર બિરાજમાન ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, ગણેશજી, હનુમાનજી અને મહાદેવની વિશાળકાય મૂર્તિઓ શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ડુંગર પરથી જોતા કુદરતની લીલી ચાદર ઓઢીને ભગવાન આરામ કરી રહ્યા હોય એવું આહલાદક દ્રશ્ય જોઈ વાતાવરણ ભક્તિમય બની જાય છે.
પવિત્ર શ્રાવણ માસમાં કેરાના પૌરાણિક લાખા ફૂલાણીના શિવમંદિર અને આધુનિક જડેશ્વર મહાદેવના મંદિરના દર્શનાર્થે ભુજ, મુન્દ્રા અને માંડવી તેમજ આજુબાજુના ગામડાઓના લોકો ઉમટી પડે છે અબાલ વૃદ્ધ સૌ કોઈ મહાદેવના ચરણે શિશ નમાવીને ધન્યતા અનુભવે છે.
આ મંદિર ખુલ્લા વાતાવરણમાં ટેકરી ઉપર આવેલું હોઈ આલ્હાદક વાતાવરણ હોવાથી કેરાથી પગે ચાલીને આવતા લોકો બે ઘડી વિસામો ખાઈને કુદરતનો અદભુત નજારો જોઈને રોમાંચિત થઈ જાય છે. અહીં શ્રાવણ માસમાં દર સોમવારે મેળાનો માહોલ જોવા મળે છે આ ઉપરાંત આઠમના દિવસે ભવ્ય મટકીફોડ અને રાશોત્સવ યોજીને કૃષ્ણજન્મની ભક્તિભાવ પૂર્વક ઉજવણી પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા અર્થે પૂજા અર્ચના કરી મહાદેવને રીઝવવા અહીં આવે છે અને શારીરિક તથા માનસિક શાંતિની અનુભૂતિ પ્રાપ્ત કરે છે.
