
ઓનલાઇન સેવા માટે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કનું ખાતું જરૂરી : પણ ખાતું ખોલવા માટેનું સાધન (મોબાઇલ) ચાર મહિનાથી બંધ
પોસ્ટ ઓફિસ સામાન્ય લોકો તેમજ વરિષ્ઠ નાગરિકોના વ્યક્તિગત નાંણાકીય લાભ માટે વિવિધ બચત યોજનાઓ ચલાવે છે. પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, પોસ્ટલ જીવન વીમા, રિકરિંગ ડિપોઝિટ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સહિત નવ જેટલી સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ તમામ યોજનાઓ પોત પોતાની કેટેગરીમાં શ્રેષ્ઠ અને સલામત છે.
પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમની સૌથી સારી બાબત એ છે કે તેમાં કરવામાં આવેલ રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળતાથી સ્થાનિકે ઉપલબ્ધ હોઇ તેમાં ખાતું ખોલાવે છે પરંતુ જ્યારે દર મહિને જીવન વીમા જેવા ખાતામાં માસિક પ્રીમિયમ ભરવાનું થાય ત્યારે સતત નેટવર્ક કનેક્ટિવિટીના ધાંધિયાના કે પછી સર્વર ડાઉન હોવાને લીધે પૈસા ભરવામાં ખાતેદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત વારંવાર લાઈટ ચાલી જતા પણ મુશ્કેલી પડે છે અને લાઈટ આવ્યા પછી અડધી કલાક સુધી કનેક્ટિવિટી આવતી નથી એવું જાણવા મળેલ છે. આના ઉપાય સ્વરૂપે પોસ્ટ ખાતાએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક નામે ડિજિટલ બચત ખાતું ખોલવાની સુવિધા શરૂ કરી છે પરંતુ ગુંદાલા અને આસપાસના ગામવાસીઓની કરમ કઠણાઈ રૂપે આ બચત ખાતું ખોલાવવા માટેનું જરૂરી સાધન (મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ) છેલ્લા ચાર માસથી બગડી જતા રીપેરીંગ માટે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવેલ છે જેથી ડિજિટલ ખાતા પણ ખોલી શકાતા નથી એવું જાણવા મળેલ છે.
આ ઉપરાંત પોસ્ટ ઓફિસની સામે આવેલ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ. મશીન પણ મહિનાઓથી બંધ હાલતમાં છે જે અંગે બેંક મેનેજર પાસે તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે ટેકનિકલ ફોલ્ટના કારણે એ.ટી.એમ. મશીન બંધ છે જે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બેન્ક ખાતાને આધાર કાર્ડથી લીંક કરાવેલ હોય તો બેંક મિત્ર કરસનભાઈ (મારુતિ મલ્ટી સર્વિસિસ) પાસે ખાતેદાર બાયોમેટ્રિક થમ્બ દ્વારા એક દિવસમાં વિના મૂલ્ય 10000 રૂપિયા સુધીની રકમ જમા ઉપાડ કરી શકે છે અને આ સુવિધાનો લાભ મહિનામાં ત્રણ વખત વિનામૂલ્ય મેળવી શકાય છે એવી જાણકારી કરસનભાઈએ આપી હતી.
