




વડાપ્રધાનશ્રીનો “એક ભારત શ્રેષ્ઠ ભારત”નો સંકલ્પ આજે સાચા અર્થમાં ચરિતાર્થ થતો જોવા મળી રહયો છે
રિપોર્ટ : બીના પટેલ
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ૩૦ મીટર ઊંચા તિરંગાના ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે આજે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને 30 ફૂટ ઊંચો તિરંગો લહેરાવવાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ એ રાષ્ટ્રભાવનાની ભક્તિ અને શક્તિ છે તેમ જણાવી દંડકશ્રીએ ધ્વજારોહણના આ કાર્યક્રમમાં સહભાગી થવાના પ્રાપ્ત થયેલા અવસર બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શ્રી દેસાઈએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના હર ઘર તિરંગા અભિયાનથી સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવનાની પ્રબળ લાગણી પ્રસરી છે જેના કારણે વડાપ્રધાનશ્રીનો “એક ભારત શ્રેષ્ઠ ભારત”નો સંકલ્પ સાચા અર્થમાં ચરિતાર્થ થતો જોવા મળી રહયો છે. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની “અંગદાન સંકલ્પ દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જે અન્વયે અંગદાનને શ્રેષ્ઠ પ્રવૃત્તિ ગણાવતાં મુખ્ય દંડકશ્રીએ અંગદાનની મહત્તા અને આવનારા સમયમાં તેની ઉપયોગીતા સમજાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓને અંગદાનનાં સંકલ્પ લેવડાવ્યા હતા.કુલપતિ શ્રી નિરંજનભાઇ પટેલ સ્વાગત પ્રવચન કરતા સરદાર પટેલ યુનિવર્સિટીના ૩૦ મીટર ઊંચા ધ્વજારોહણના કાર્યક્રમને યુનિવર્સિટી માટે ઐતિહાસિક પ્રસંગ ગણાવી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કર્યુ હતુ. શ્રી નિરંજનભાઇ પટેલે વડાપ્રધાનશ્રીના ૭૨માં જન્મદિવસ છે ત્યારે તેઓના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશ પ્રગતિના નવા કીર્તિમાન સ્થાપે તેવી આશા વ્યક્ત કરી હતી. આ તકે શ્રી પંકજભાઈ દેસાઈ તથા મિતેષભાઈ પટેલે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી શ્રધ્ધા સુમન અર્પિત કર્યા હતા. ત્યાર બાદ સરદાર પટેલ યુનિવર્સિટીના જ્ઞાનોદય ભવનમાં રક્તદાન શિબિરની મુલાકાત લઈ સ્વૈચ્છિક રક્તદાન માટે આવેલા યુવાઓને તેમજ ભાઈકાકા લાઇબ્રેરી ખાતે યોજાયેલ રંગોળી સ્પર્ધાની મુલાકાત લઈ સ્પર્ધક વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે શ્રી પંકજભાઈ દેસાઈએ સરદાર પટેલ યુનિવર્સિટીની હ્યુમિનિટીઝ બિલ્ડીંગના પ્રાંગણમાં ઉભી કરાયેલ મહાત્મા ગાંધી અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની નવ નિર્મિત પ્રતિમાનું અનાવરણ કરી તેમને પુષ્પ અર્પણ કર્યા હતા. કાર્યક્રમ અગાઉ શ્રી પંકજભાઈ દેસાઈ એ ચારૂત્તર વિદ્યા મંડળની બી.જે.વી.એમ. કોલેજ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અંગદાનના સંકલ્પ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડૉ.ભાઈલાલભાઈ પટેલ, ચારુતર વિદ્યા મંડળના શ્રી મેહુલભાઈ પટેલ, ખંભાતના પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયપટેલ, અગ્રણી સર્વશ્રી નીરવભાઈ અમીન, બીપીનભાઈ પટેલ, મહેશભાઇ પટેલ, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી દિપેશ બ્રહ્મભટ્ટ, યુનિવર્સિટીના સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.