અમદાવાદમાં પેપરમાં કેનેડા જવાની જાહેરાત જાેઈને કર્યો ફોન, બેંકની વિગતો આપતા ખાતામાંથી ૪.૩૪ લાખ ઉપડી ગયા



અમદાવાદના યુવક સાથે કેનેડાની વર્ક પરમિટ અને વિઝા અપાવવામાં બહાને છેતરપિંડી કરવામાં આવી છે. યુવકે ફોન પર વાતચીત કરીને પોતાના બેંક એકાઉન્ટ વિગતો આપી હતી. જે બાદ યુવકના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ૪.૩૪ લાખ ઉપડી ગયા હતા. આ મામલે યુવકે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાવ્યો છે. નવરંગપુરા ખાતે રહેતા મહેશ આસ્વાનીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે કે ન્યૂઝ પેપરમાં જાહેરાત જાેઈ હતી. જેના આધારે ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે સ્વામિનારાયણ સંસ્થા તરફથી કેટલાક લોકોને કેનેડા મોકલવામાં આવે છે અને ત્યાં નોકરી અપાવવામાં આવશે. થોડા દિવસ બાદ ફોન આવ્યો હતો કે ૩૫ લોકો સિલેક્ટ થયા છે. જેમાં તમે પણ કેનેડા જવા માટે સિલેક્ટ થયા છો. પરંતુ બેંકમાં ૧૭ લાખ બેલેન્સ બતાવવું પડશે. જેથી મહેશે આટલું બેલેન્સ ના હોવાનું કહ્યું હતું તો મહેશને એક નવું ખાતું ખોલાવવા જણાવ્યું હતું.નવું ખાતું ખોલાવી ફોન કરનાર વ્યક્તિએ મહેશ પાસેથી જુના ખાતાની ચેકબુકનો અને નવા એકાઉન્ટના ડેબિટ કાર્ડનો ફોટો મંગાવ્યો હતો. જે મળતા અમારા પૈસા તમારા ખાતામાં આવશે જેથી તમે અમારો મોબાઈલ નંબર તમારા ખાતામાં એડ કરો તેવું જણાવ્યું હતું. જેથી મહેશે મોબાઈલ નંબર એડ કરી દીધો હતો. બીજા દિવસે મહેશને શંકા જતા ખાતામાં નંબર બદલવા ગયો હતો. ખાતું બંધ કરાવવા ગયો હતો ત્યારે તેના જૂના ખાતામાંથી ૪ લાખ ઉપડી ગયા હતા અને નવા ખાતામાં જમા થયા હતા જે બાદ નવા ખાતામાંથી ૩.૯૦ લાખ અન્ય એક ખાતામાં જતા રહ્યા હતા. થોડી વાર બાદ ૩૫૦૦૦ જૂના ખાતામાંથી નવા ખાતામાં જમા થયા હતા અને નવા ખાતામાંથી એક બીજા ખાતામાં ૪૪૦૦૦ જમા થયા હતા. આમ કુલ ૪.૩૪ લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા.આ બનાવ બનતા મહેશે ખાતા જ બ્લોક કરાવી દીધા હતા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *