દિપોત્સવ એટલે પ્રકાશનો મહોત્સવ! 

આસો વદ એકાદશીથી માંડી અમાવસ્યા, બેસતુ વર્ષ, ભાઇબીજ, લાભપાંચમ અને દેવદિવાળીના ઉત્સવ દિવસનું સ્નેહ સંમેલન!

     આસો વદ અગિયારસથી આંગણામાં રંગોળી સાથે દિવાળી પર્વ શરૂ થઈ જાય છે. આ અગિયારસને

‘રમા એકાદશી’ પણ કહે છે. એકાદશી કે અગિયારસ એટલે આપણી દસ ઇન્દ્રિયો અને અગિયારમાં મનને વશ કરવું તે. પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય અને સાથે મનને સંયમમાં રાખીએ તો જ એકાદશી ખરા અર્થે ઉજવી કહેવાય. આમ દિવાળી પર્વનો પ્રારંભ સંયમના સંદેશથી થાય છે.

    સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી,

શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે, પછી આવે આસોવદ બારસ એટલે કે વાઘબારસ, વાઘબારસને ‘ગોવત્સ દ્વાદશી’ પણ કહે છે ગો એટલે ગાય, વત્સ એટલે વાછરડું. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા પણ થાય છે. વાઘબારસનો દિવસ જુના ચોપડા પૂરા કરતા પહેલાં જેટલું દેવું હોય તેની લેણ દેણ પૂર્ણ કરવા માટે ઉત્તમ દિવસ ગણાય છે. આ દિવસે બધા જ હિસાબો પૂર્ણ કરે કરવામાં આવે પછીના ત્રણ દિવસ કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરતા નથી. નવા વર્ષે જ નવા મુહૂર્તમાં નવા ચોપડા અને પૈસાની લેવડદેવડ ખૂલે છે નવા ચોપડા લખવાનો પ્રારંભ કરે છે.

        ધનતેરસ એટલે ‘ધણતેરસ’ તથા ધનની પૂજાનો દિવસ! પ્રાચીન સમયમાં ગાયોનું ધણ પણ ધન જ કહેવાતું તેથી આ દિવસે ગાયોની પૂજા થતી. ધીમેધીમે તેમાં ધનની પૂજા પણ સાથે ભળી. લોકો ધનની એટલે કે લક્ષ્મીની પૂજા કરવા લાગ્યા. ધનની આવશ્યકતા જરૂરી તો છે જ, પરંતુ એ ધન કે લક્ષ્મી દેવી હોય, નીતિથી

મેળવેલ હોય તો જ તેની પૂજા થાય તેવો આ ઉત્સવનો સારાંશ છે. ધનપૂજન કે લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું હોય છે કે આપણા ધનનો શુભ ઉપયોગ થાય અને સંપત્તિ પવિત્ર બને. ધન અન્ય માટે વપરાય તો તે લક્ષ્મી અને

પ્રભુ કાર્ય માટે વપરાય તો તે મહાલક્ષ્મી તેથી લક્ષ્મીને પ્રભુની પ્રસાદી માનીને તેનો સદઉપયોગ કરવો જોઈએ. લક્ષ્મીનું માતૃવત પૂજન કરી તેનો સદઉપયોગ કરનાર માણસ જ પોતે પવિત્ર બને તથા સૃષ્ટિને પાવન કરે નહિંતર લક્ષ્મીને ભોગ પ્રાપ્તિનું સાધન ગણનાર માનવ પતનની ઊંડી ખીણમાં ગબડી પડે. ધનતેરસ દેવોના વૈદ્ય

ધન્વન્તરીનો અને અમૃતના જન્મનો પણ દિવસ છે. સમુદ્રમંથન વખતે ધન્વન્તરી તેમાંથી પ્રગટ થયા હતા.                          સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈખીમાણી,

શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે, ધનતેરસ પછીનો દિવસ આવે કાળી ચૌદશનો. આ દિવસ મહાકાલી પૂજન તથા મહાલક્ષ્મી પૂજન થાય છે સાથે સાથે રામદૂત હનુમાનની પણ આ દિવસે પૂજા થાય છે. જીવનના અશુભોને દૂર કરવા તથા ભૂતપ્રેત વગેરેના ભયથી મુક્ત રહેવા લોકો તેમની પ્રાર્થના કરે છે. તાંત્રિકો પણ રાતે સ્મશાનમાં જઇ ભૂત-ભૈરવ વગેરેની સાધના કરે છે. ખરેખર તો અનિષ્ટ વૃત્તિ રૂપે ભૂતપ્રેત આપણી અંદર જ વસે છે જો તેનો સંહાર કરીએ તો કાળી ચૌદશ પણ ઊજળી બની જાય. કાળી ચૌદશને નરકચતુર્દશી પણ કહે છે. નરકાસુરે ત્રણે લોકમાં ત્રાસ ફેલાવ્યો હતો. તે સૌને રંજાડતો અને ઉત્તમવસ્તુઓ લૂંટી ભેગી કરતો. તેણે સોળ હજાર કન્યાઓને પણ કેદ કરી હતી. દેવોની પ્રાર્થનાથી ભગવાન કૃષ્ણએ પત્ની સત્યભામા સાથે જઈ તે ભૌમાસુર એટલે કે નરકાસુરનો નાશ કર્યો અને સોળ હજાર સ્ત્રીઓને તેની કેદમાંથી મુક્ત કરી આથી દેવોએ અને માનવોએ મુક્ત મને ઉત્સવ ઉજવ્યો અને દીવાઓ પ્રગટાવ્યા.

   સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈખીમાણી,

શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે,  “તમસો મા જ્યોતિર્ગમય !” અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ! અજ્ઞાનમાંથી જ્ઞાન તરફનું પ્રયાણ ! અમાસની અંધારી રાતે અજવાળા ફેલાવતા દીવડા પ્રગટાવીને અંતરમાં પ્રકાશ પાથરવાનું સૂચન કરતો ઉત્સવ તે ‘દિપાવલી’ કે ‘દિવાળી’. શરીર, ઘર, કુટુંબમાં શુદ્ધિ, નવીનતા, પ્રેમ અને આત્મીયતા કેળવવાનો શુભ અવસર એટલે દિવાળી! પ્રભુ શ્રીરામ લંકા વિજય કરી અયોધ્યા પધાર્યા. રામના આગમનની ખુશીમાં અયોધ્યા વાસીઓએ અસંખ્ય દીપમાળાઓ પ્રગટાવીને અયોધ્યાને પ્રકાશિત કરી નાખી ત્યારથી આ દિવસ દિવાળી તરીકે ઉજવાય છે. દિવાળીના દિવસે પૃથુ ભગવાને પૃથ્વીમાંથી અનેક રસકસ કાઢ્યા હતા, સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ્યા હતા, પાંડવો વનમાંથી પાછા ફર્યા હતા એમ પણ કહેવાય છે. હિંદુઓ માટે સૌથી મોટો અને મુખ્ય તહેવાર દિવાળીનો છે. ભારત સમસ્ત દિવાળીપર્વ ઉજવવા ઘેલું થાય છે. દિવસો અગાઉથી ગૃહિણીઓ આખું ઘર સાફ કરે છે, મિષ્ટાન્ન-ફરસાણ જેવી વિવિધ વાનગીઓ બનાવે છે, નવા નવા કપડાઓ, ફટાકડાની ખરીદી કરે છે. આખા ઘરને શણગારે છે અને આંગણામાં સુંદર રંગોળી કાઢે છે. અને દિવાળીના દિવસે ખૂબ જોરશોરથી ફટાકડા ફોડે છે, આત્તશબાજી કરે છે. દરેકે દરેક પોતાના ઘરને, આંગણાને દીવડાઓ પ્રગટાવી ઝળહળા કરે છે, રોશન કરે છે. બહારના દીવડાઓ તો પ્રગટાવવા જ પરંતુ ખરો દિવો તો  હ્નદયમાં  પ્રગટાવવાનો છે. જો અંતરમાં જ અંધારું હોય તો બહાર પ્રગટાવેલા અનેક દીવાઓ પણ નિરર્થક જ છે. દીવો એ જ્ઞાનનું પ્રતિક છે. રાગદ્વેષ ભૂલી, દૂષણો અને વ્યસનોના અંધકારને ઉલેચી આપણે હૃદયમાં ધર્મભક્તિ તથા મૈત્રીભાવનો જ્ઞાનદીપક પ્રગટાવવાનો છે. જેમ અનેક રંગોથી સુંદર રંગોળી પૂરીએ છીએ તેમ જીવનમાં હર્ષોલ્લાસના અનેક રંગો આપણા તથા આપણા થકી બીજાના જીવનમાં પણ પૂરવાના છે તો જ દિવાળી સાર્થક થાય. વેપારીઓ માટે દિવાળી બહુ મહત્વનો દિવસ છે. દિવાળીએ વેપારીઓ ચોપડા પૂજન કરે છે. અને આખા વર્ષના વેપારનું સરવૈયું કાઢે છે. ચોપડા પૂજન સાથે લક્ષ્મી પૂજન પણ થાય છે. ચોપડા પૂજનમાં માનવે પોતાના જીવનનું પણ સરવૈયું કાઢવું રહયું ! વીતેલા વર્ષ દરમિયાન કરેલા સારા-ખરાબ કાર્યોનું સરવૈયું કાઢી, આવતું નવું વર્ષ પવિત્ર, શાંત અને નિર્મળ રીતે વીતે તેવી શુભ ભાવના વ્યક્ત કરવી જોઈએ. રાગદ્વેષ, વેરઝેર, ઈર્ષ્યા અને કટુતા દૂર કરી નવા વર્ષને પ્રેમ, શ્રદ્ધા અને ઉત્સાહના નફાથી ભરી દેવાની કામના કરવી જોઈએ. પ્રકાશ પર્વ ઊજવી જીવન પથને પ્રકાશિત કરી નવા વર્ષને સત્કારવાની તૈયારી કરવી જોઈએ.

       સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈખીમાણી,

શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે,  કારતક સુદ એકમનો દિવસ વિક્રમ સવંત્સરીના નૂતન વર્ષનો પ્રારંભ ! હિન્દુઓના વિક્રમ સંવતનું નવું વર્ષ આ દિવસથી શરૂ થાય છે. આ દિવસ

‘બલી પ્રતિપદા’ તરીકે પણ ઓળખાય છે. વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને આ દિવસે બલિરાજા પાસે ત્રણ પગલાનું દાન માગ્યું ત્યારે બલિરાજાએ સર્વસ્વનું દાન આપી ભગવાનને પ્રસન્ન કરી દીધા અને પ્રભુએ વરદાન આપ્યું કે આ દિવસ ‘પ્રતિપદા’ તરીકે વિખ્યાત થશે. આમ આ દિવસ ભગવાન પ્રત્યે સમર્પણની ભાવના દ્ઢ કરાવે છે. રાજા વિક્રમે શક લોકો પર આ દિવસે વિજય મેળવી સંવત શરૂ કરી. વિક્રમે શરૂ કરેલ વિક્રમ સંવતનું આ દિવસે વર્ષ તો નવું બેસે છે પરંતુ આપણી ઘટમાળ તો જૂની જ રહી જાય છે ! જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ જેવા દુર્ગુણો ઘટાડીએ નહી તો શું નવું વર્ષ કે જીવન સાર્થક કહેવાય ખરું ? તેથી નવા-શુભ-પવિત્ર નિર્ણયો લઇ નવા વર્ષે જીવનને નવી દિશામાં લઈ જવાનો સંકલ્પ કરવો જોઇએ. નવા વર્ષનો દિવસ તો શુભ સંકલ્પો કરી વર્તન સુધારવાનો અને આનંદને વધારવાનો દિવસ છે. વેદ વ્યાસજીએ કહ્યું છે, “આ પડવાને દિવસે જે આનંદમાં રહે તેનું આખું વર્ષ આનંદમાં વીતે છે. જે દુઃખમાં રહે તેનું આખું વર્ષ દુઃખમાં વીતે છે.” તેથી બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલી શત્રુનું પણ શુભ ચિંતન કરી આનંદથી બધાને મળવાનું ! સ્નેહ સંમેલન રચવાનું ! આ દિવસે બધા જ સવારે વહેલા ઊઠી, તૈયાર થઈ મંદિરે જાય છે. અને પછી એકબીજાના ઘરે નવા વર્ષની વધામણી આપવા જાય છે. નૂતનવર્ષના અભિનંદન આપી શુભ કામનાઓ પાઠવે છે. સૌ નવું જીવન જીવવાની પ્રેરણા સાથે જૂના વેરઝેર ભૂલી પ્રેમ અને આત્મીયતાથી મળે છે અને એકબીજાના મંગળની ભાવના વ્યક્ત કરે છે. આ દિવસે વહેલી સવારે લોકો ‘મીઠું’ એટલે કે ‘નમક’ શુકન તરીકે ખરીદે છે. મીઠું એટલે સબરસ. જીવનમાં બધા જ રસ જળવાઈ રહે તેવો ભાવ છે. વળી આ દિવસે ભગવાનને અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે. વર્ષાઋતુમાં નવી ફસલ તૈયાર થઈ હોય તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને તે ભગવાન સમક્ષ ધરી તેમનો આભાર માની પ્રભુની પ્રસાદીરૂપ પવિત્ર અન્ન જમવાની ભાવના વ્યક્ત કરે છે. આ મંગલ પર્વ આખા વર્ષના આનંદ અને સુખને પામવાનો દિવસ છે.

         નવા વર્ષનો બીજો દિવસ એટલે ભાઈબીજ. ભગવાન વિષ્ણુએ સંપત્તિ અને સ્ત્રી તરફ જોવા વિશિષ્ટ દ્રષ્ટિ આપતા બે દિવસ નવાવર્ષની આસપાસ ગોઠવી દીધા. દિવાળીની અમાવસ્યાએ સંપત્તિ એટલે કે લક્ષ્મી તરફ માતૃભાવે પૂજ્ય દ્રષ્ટિ કેળવી તેની પૂજા કરવાની અને ભાઈબીજના દિવસે સમસ્ત સ્ત્રીજાત તરફ માતા કે બહેનની દ્રષ્ટિએ જોવાનું, સ્ત્રી તરફ જોવાની ભદ્રદ્રષ્ટિ કેળવવાની અને ભાઈના નિર્વ્યાજ સ્નેહથી તેને બહેન તરીકે સ્વીકારવાની. રક્ષાબંધન પછી ભાઇબહેનના નિર્મળ સ્નેહને દ્ઢ કરતો આ તહેવાર છે. આ દિવસે ભાઈ પોતાની પરિણીત બહેનના ઘરે જમવા જાય છે અને યથાશક્તિ ભેટ આપે છે.

        દીપોત્સવી પછી કારતક સુદ પાંચમના દિવસે લાભપાંચમ આવે છે. નવાવર્ષથી કારતકસુદ ચોથ સુધી વેપારીઓ પોતાના વ્યવસાય, વેપાર-ધંધા બંધ રાખે છે. પાંચમના શુભ દિવસે બજારો ખૂલે છે. દિવાળીમાં જે ચોપડાઓ પૂજવાના બાકી રહી ગયા હોય તે ચોપડાઓની પૂજા આ દિવસે થાય છે. કોઈ સારા આરંભ માટે લાભ પાંચમનું શુભમુહૂર્ત ગણાય છે.કારતક સુદ સાતમ એટલે જલારામ જયંતિ. વિશ્વના કોઈપણ નાગરિકને નાત-જાતના ભેદભાવ વગર સદાવ્રત દ્વારા નિ:શુલ્ક ભોજન કરાવનાર સંત શીરોમણી જલારામ બાપની જન્મજયંતિ.

         કાર્તિક સુદ એકાદશી એટલે દેવદિવાળી. રાજા બલિના દરબારમાં ઘરે ગયેલા વિષ્ણુ ફરી પોતાના નિવાસ સ્થાને દેવદિવાળીના દિવસે પધારે છે. તેથી દેવો આનંદમાં આવી ઉત્સવ કરે છે. આ દિવસે શાલીગ્રામ રૂપે વિષ્ણુના તુલસીજી સાથે વિવાહ થાય છે. ભગવાનના વિવાહની ખુશાલીમાં ભક્તો દીપ પ્રગટાવે છે. કાર્તિક પૂર્ણિમાએ તુલસી વિવાહની સમાપ્તિ થાય છે પછી જ આપણા સમાજમાં લગ્નસરા શરૂ થાય છે, લગ્ન માટે મુહૂર્ત ચાલુ થાય છે. દેવ દિવાળીએ તુલસીજી ભગવાનને સમર્પિત થયા તેમ આપણે પણ પ્રભુશરણે જીવન સમર્પી દેવાનું છે, શરણાગતિ સ્વીકારવાની છે.

     સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈખીમાણી,

શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે, દિવાળીના પ્રકાશપર્વમાં નવા કપડાં પહેરી, મિષ્ટાન્ન જમીને અને ફટાકડા ફોડીને તો સૌ મહાલે છે પણ એ સાથે સાવચેતી ન ભૂલવી જોઈએ. બાળકો  ફટાકડા ફોડતા દાઝી ન જાય કે અન્ય અનિચ્છનીય ઘટના ન બને તેનું વડીલોએ ધ્યાન રાખવું જોઈએ. સાથે આનંદના નામે બેફામ ફટાકડા ફોડવામાં બીજાને હાનિ ન થાય, પૈસાનો ધુમાડો ન થાય પ્રદૂષણ ન ફેલાય તેનું ધ્યાન રાખવું એ પણ આપણી નૈતિક ફરજ છે. જો આ સમજીએ તો દિવાળી ખરા અર્થમાં ઉજવી ગણાય !

         દીપોત્સવ પર્વે સૌના હૃદયમાં અખંડ સુખનો દીપ પ્રગટે અને નવું વર્ષ સૌને માટે સર્વ રીતે મંગલમય બની રહે તેવી અભ્યર્થના સાથે સૌને નવલાં વર્ષના “નૂતનવર્ષાભિનંદન !”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *