



તા. ૧૭-૧૧-૨૦૨૨ના રોજ કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી રીટાબેન પટેલના ખાદીગ્રામ ઉદ્યોગ ભવન, સે.૧૬ પાસે સ્થિત ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પોતાની આગવી છટામાં ઉપસ્થિત મેદનીને સંબોધન કરતા શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસનો એજન્ડા લઈને જ ભાજપ ચાલ્યું છે અને આજે પણ ભાજપ દ્વારા વિકાસનો એજન્ડા જ જનતા સમક્ષ મુકવામાં આવ્યો છે. દેશની રાજનીતિમાં વિકાસ શબ્દ ભાજપની ડિક્શનરીમાંથી આવેલો છે. કોંગ્રેસ જ્યારે કેન્દ્રમાં સત્તામાં હતી અને શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસ ઇરાદાપૂર્વક ગુજરાતના વિકાસમાં રોડા નાખવાનું કામ કરતી, વિકાસને અટકાવવાનું કામ કરતી તે પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકારના યોગ્ય સહયોગ વગર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને દેશના વિકાસનું મોડલ બનાવ્યું હતું. જ્યારથી ભાજપના હાથમાં દેશની સત્તાની ધૂરા આવી છે ત્યારથી આખી દુનિયામાં ભારત અને ગુજરાતના વિકાસનો ડંકો વાગી રહ્યો છે અને આ ડબલ એન્જીન સરકારનો લાભ રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે.

શ્રી રૂપાલાએ ઉત્કૃષ્ટ સંગઠનની વ્યવસ્થા સાથે જવાબદારી પૂર્વક કામગીરી સાથે જનજનનો સંપર્ક કરી ભાજપના ઉમેદવાર શ્રીમતી રીટાબેન પટેલને ભવ્ય વિજયમાં સહભાવી થવા હાકલ કરી હતી. આ પ્રસંગે ઉમેદવાર શ્રીમતી રીટાબેન પટેલ ઉપરાંત વડીલ આગેવાન શ્રી વાડીકાકા, મહાનગરના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, ઇન્ચાર્જશ્રી મહેન્દ્રસિંહ રાણાએ પ્રાસંગિક ઉદબોધન કરી ગાંધીનગર ઉત્તર બેઠક પર ભાજપના ભવ્ય વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સિનિયર અગ્રણીશ્રીઓ, ડૅ.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, મહામંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો ઉપસ્થિત રહ્યા હતાં.