સમર્થન મહિલા સંગઠનનું બે દસકા જૂનું સ્વપ્ન સાકાર થયું

ઉત્થાન સંસ્થા પ્રેરિત સમર્થન મહિલા સંગઠન ભાવનગર જીલ્લામાં વર્ષ ૨૦૦૩થી કાર્યરત છે. સમર્થન મહિલા સંગઠનનો મુખ્ય હેતુ છે કે, સમર્થન મહિલા સંગઠનને મૂલ્ય આધારિત એવું સંગઠન બનાવવું કે જે થકી મહિલાઓના સામાજિક, આર્થિક, તેમજ રાજકીય દરજ્જામાં બદલાવ આવે અને મહિલાઓ પોતાના હક્ક અને અધિકાર મેળવતા થાય.

અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે સમર્થન મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી લીમીટેડની નોંધણી બાદ પ્રથમ સાધારણ સભાનું આયોજન અકવાડા ખાતે સમર્થન મહિલા સંગઠન દ્વારા તારીખ ૧૪ ડીસેમ્બર ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું. એક વર્ષની અથાક મહેનત બાદ સમર્થન મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળીની નોંધણી અંતે તારીખ ૩ નવેમ્બર,૨૦૨૨ના રોજ થઈ. સમર્થન મહિલા સંગઠન જે મહિલાઓના હક આધારિત કાર્યરત છે તે હવે કે સમર્થન મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળીને એક મજબૂત આર્થિક વિકલ્પ તરીકે નારીવાદી દ્રષ્ટિકોણથી આગળ વધારશે.

આજની આ સામાન્ય સભામાં અંદાજે ૧૧૦ સભાસદો તથા ઉત્થાન ટીમના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો. સામાન્ય સભામાં કુલ ૧૧ ઠરાવો કરવામાં આવ્યા જેમાં, કારોબારી સભ્યોની નિમણૂક, હિસાબોની રજૂઆત, સમર્થન મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી લી.ના પેટા નિયમો અંગે સહમતી તેમજ અન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.

સામાન્ય સભાના આ અવસર પર વર્ષ ૨૦૦૩થી અત્યાર સુધી જોડાયેલી મહિલાઓએ મંડળીના રજીસ્ટ્રેશન બાબતે પોતાની લાગણી રજૂ કરી, જેમાં તેમણે અત્યાર સુધી પડેલી તકલીફો અને તેમણે જે સંઘર્ષ કર્યો તે વિશે રજૂઆત કરી. તેઓએ જણાવ્યું કે મડળીનું રજીસ્ટ્રેશન તેમનું ૧૯ વર્ષ જૂનું એક સપનું હતું જે વાસ્તવિક બન્યું છે.

ઉત્થાન સંસ્થા પ્રેરિત સમર્થન મહિલા સંગઠનમાં ૩૫૫૬ સભ્ય બહેનો જોડાયેલ છે. જેમાં ૯૫૦ સભાસદ બહેનો સામુહિક બચત ધિરાણ કરે છે. આ ઉપરાંત મહિલા પર થતી હિંસાને રોકવા (ન્યાય સમિતિ) મહિલા જમીન માલિકી અંતર્ગત ધોધા મામલતદાર કચેરી માં સ્વભૂમિ કેન્દ્ર, પાણી. સ્વચ્છતા અને આરોગ્ય જેવા મહત્વના મુદ્દાઓ પર ગ્રામ્ય મહિલા સંગઠનનો સાથે સમર્થન મહિલા સંગઠન સતત કાર્યરત છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *