વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા 10 કિ.મી.ની પ્રોમો રન યોજાઈ, 570 દોડવીરોએ ભાગ લીધો

જેની આતુતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે ગુજરાતની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ 10મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન આગામી 8 જાન્યુઆરી 2023ના રોજ યોજાવા જઈ રહી છે. અત્યારથી જ દોડવીરોમાં વડોદરા મેરેથોન દોડ માટે ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા મેરેથોનની તૈયારીના ભાગરૂપે આજે પોલો ગ્રાઉન્ડ ખાતેથી 10 કિમી.ની “પ્રોમો રન” મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેરેથોન પૂર્વે સમગ્ર રૂટની સમીક્ષા અને તમામ પાસાઓની ચકાસણી માટે આજે યોજાયેલી પ્રોમો રનનું પોલો ગ્રાઉન્ડ ખાતેથી વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, કો-ચેરપર્સન સમીર ખેરા અને ડાયરેકટર નિલેશ શુક્લા દ્વારા સવારે 5.30 વાગે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ પ્રોમો રનમાં 570 જેટલા મેરેથોન રનર્સે ભાગ લીધો હતો. 10 કિમીના સમગ્ર રૂટ પર આજે દોડતા મેરેથોન રનર્સ એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. રૂટ પર તમામ રનર્સ માટે પાણી અને મેડિકલ સહિતની તમામ સુવિધાઓ રાખવામાં આવી હતી. રૂટ પર તમામ રનરને મદદ કરવા પોલીસ વિભાગ સહિત વડોદરા મેરેથોન ટીમ ના સભ્યો અને ફ્રન્ટ રનર્સની ટીમે ખડે પગે સેવા બજાવી હતી.

આ અંગે જણાવતા વડોદરા મેરેથોન ના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, આગામી 8 જાન્યુઆરી 2023ના રોજ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે. કોરોના કાળ બાદ દેશની મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ પૈકીની વડોદરા મેરેથોન વિશ્વભરમાંથી આવતા દોડવીરોને આવકારવા સજ્જ છે. આ વર્ષે મેરેથોનનો રૂટ બદલી શહેર વિસ્તારમાંથી પસાર કરવામાં આવ્યો છે જે શહેરની ઐતિહાસિક ધરોહર ગણાતા હેરિટેજ સ્થાપત્યો પાસે થી પસાર થશે. પોલીસ વિભાગ દ્વારા પણ આજે ખૂબ સારો સહકાર આપી અને સુંદર બંદોબસ્ત સાથે સરળતા થી આ પ્રોમો મેરેથોન ને પૂર્ણ કરવામાં આવી હતી તે બદલ પોલીસ વિભાગ ના અમે ખૂબ ખૂબ આભારી છીએ.

વડોદરા મેરેથોનના કો-ચેરપર્સન સમીર ખેરાએ જણાવ્યું હતું કે, આજે યોજાયેલી પ્રોમો રન એ ટીમ વડોદરા મેરેથોન સહિત તમામ માટે એક પરીક્ષા હતી. નવા રૂટ સાથે ટેકનિકલ ટીમ થી લઇ, અમારા ફ્રન્ટ રનર, મેરેથોન ટીમ અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ સુંદર રીતે આ આખી ઇવેન્ટ ની સફળ આયોજન કરવામાં આવ્યું છે. અને 8 જાન્યુઆરીના રોજ યોજાનાર 10મી એમજી વડોદરા મેરેથોન પણ એક ગ્રાન્ડ સ્પોર્ટ્સ ઇવેન્ટ બની સફળતા પ્રાપ્ત કરશે એવી અમને આશા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *