પ્રગટેશ્વર મહાદેવ મંદિર-આછવણીનો ૩૯મો પાટોત્સવ યોજાયો

શ્રી પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, આછવણીનો ૩૯મો પાટોત્સવ ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં યોજાયો હતો. આ બેદિવસીય ઉજવણીનો શુભારંભ ૨૯/૧૨/૨૦૨૨ના રોજ દીપ પ્રાગટ્ય અને ધ્વજારોહણ થકી કરાયો હતો. ત્યારબાદ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, અતુલના સહયોગથી યોજાયેલા રકતદાન કેમ્પમાં ૨૭ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.

પાટોત્સવ નિમિત્તે આયોજિત ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞમાં ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાની સહિત અનેક ભુદેવોએ મંત્રોચ્ચાર થકી યજ્ઞની આહુતિ અપાવી હતી. શિવ પરિવારજનો દ્વારા પ્રગટેશ્વર દાદાને ૫૬ ભોગ ધરાવાયો હતો. અનેક વિધવા મહિલાઓને ધર્માચાર્ય પરભુદાદા અને રમાબા સહિત મહાનુભાવોના હસ્તે સાડી અને પગના મોજાંનું વિતરણ કરાયુ હતું. પ્રાગટ્ય દિવસ ઉજવણીના ઉપલક્ષમાં ૧૦૮ દિવડાની મહા આરતી, પ્રગટેશ્વર દાદાનો રાજોપચાર અભિષેક, મહા પૂજા અને મહાઆરતી કરવા ઉપરાંત બ્રાહ્મણો દ્વારા શિવ મહીમ્નસ્ત્રોતનું પઠન કરાયું હતું.

આ શુભ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ સૌનું કલ્યાણ થાય, સુખ- સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને ભગવાન શિવની કૃપા હંમેશા રહે તેવા આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, પહેલાં ઋષિમુનિઓનો યજ્ઞ ઘણા દિવસો સુધી ચાલતો હતો, પણ આપણા ભૂદેવો અને શિવ પરિવારના સુચારુ આયોજન તેમજ યોગ પકડીને ચાલતા હોવાથી આ પ્રકારના યજ્ઞ અહીં એક દિવસમાં પૂર્ણ થઈ જાય છે. આ પ્રકારના યજ્ઞોમાં ભાગ લેવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે. આજે આઠમ છે અને આ તિથિના માલિક શિવ છે, તે દિવસે આપણને પાટોત્સવની ઉજવણીમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણું પ્રગટેશ્વર ધામ ગુપ્ત નથી જેથી અહીં ગમે ત્યારે બ્રહ્મ મુહૂર્ત જ હોય છે અને પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવ હંમેશા હાજરાહજૂર હોય છે. આપણી કુંડળી જાગૃત થાય ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય છે, આવા સંજોગોમાં આપણે સત્કર્મ કરીએ તો તેમના ઉપર ભગવાનની અસીમ કૃપા બની રહે છે. બ્રાહ્મણોને તૃપ્ત કરવા ભોજનની સાથે દાન પણ આપવું જરૂરી છે તે જ પ્રમાણે ભગવાનને તૃપ્ત કરવા આપણે યજ્ઞમાં આહુતિ આપીએ છીએ. યજ્ઞ નિમિત્તે વિધવા બહેનોને સાડી આપી છે તે દેવ લોકોને દાન દક્ષિણા આપ્યા બરાબર છે. આ તમામ સાડી શિવ પરિવારના દાતાઓના સહયોગથી મળી છે. વિધવા બહેનોની ત્યાગ અને વૈરાગ વૃત્તિ ઘણી હોય છે, એકલી રહેતી માહિલાઓના બેલી ભગવાન શિવ છે, અહીંનો શિવ પરિવાર પણ તેઓને નિઃસ્વાર્થ ભાવનાથી મદદરૂપ થવા તત્પર છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

  આ ધાર્મિક મહોત્સવ ઉજવણીમાં પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા તા.૨૯ અને ૩૦મી ડિસેમ્બર એમ બન્ને દિવસે બપોરે અને રાત્રે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું, જેનો હજારો ભક્તજનોએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમના આયોજનમાં પ્રગટ પ્રગટેશ્વર સમિતિના ગુજરાતના પ્રમુખ બીપીનભાઈ પરમાર, મહારાષ્ટ્રના પ્રમુખ આર.કે.ખાંદવે, શિવ પરિવારના અમિતભાઇ પટેલ, અપ્પુભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, નાનુભાઈ પટેલ, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, પ્રિતમભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, સોમભાઈ આહીર, કૃપાશંકર યાદવ સહિત ગુજરાત-મહારાષ્ટ્રના અનેક શિવભક્તોનો સહયોગ સાંપડ્યો હતો.

આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા વિકાસ અધિકારી, ખેરગામ સરપંચ ઝરણાબેન પટેલ, નિવૃત કલેકટર આર.એમ.પટેલ, ભજનિક ઈશ્વરભાઈ ગજ્જર, માજી સંસદ કિશનભાઈ પટેલ સહિત સંતો મહંતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM