












મહાન તત્વજ્ઞાની એરિસ્ટોટલે કહ્યું છે કે, “Education is creation of sound mind and sound body, it leads to beauty and truth.”
કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
તા. ૧૦/૦૧/૨૦૨૩ મંગળવારના રોજ શ્રી. એમ. પી. પટેલ માધ્યમિક શાળા અને પી.સી.શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા, શબરીધામ, વ્યારાના વિદ્યાર્થીઓ દ્વારા વિષયવાર ‘પ્રોજેક્ટ પ્રદર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને ખીલવવા શાળા દ્વારા અવારનવાર પ્રયાસો થાય છે. આ વર્ષે શ્રી. એમ. પી. પટેલ માધ્યમિક શાળા અને પી. સી. શાહ ઉ.મા શાળાના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓમા રહેલ ક્રિયેટિવીટીને પ્રોત્સાહન આપવા વિષય અનુસાર શિક્ષકો દ્વારા પ્રોજેક્ટ બનાવવા આપવામાં આવ્યા હતા. જેમાં ગણિત, વિજ્ઞાાન, સામાજિક વિજ્ઞાાન, ગુજરાતી, અંગ્રેજી, જેવા વિષયોને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબુઝ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રોજેક્ટ બનાવ્યા હતા. તેઓની આ ખૂબીને પ્રોત્સાહિત કરવા શાળાના આચાર્યા શ્રીમતી આશિયાબેન પઠાણ તેમજ શાળાના શિક્ષકો દ્વારા ‘પ્રોજેકટ પ્રદર્શન’ ગોઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોમનાથનું મંદિર, દ્વારકાધીશ મંદિર, અયોધ્યાનું રામ મંદિર, ઈન્ડિયા ગેટ વે, તાજમહેલ, એફિલ ટાવર, મિસાઈલ, જ્વાળામુખી, પવનચક્કી, ફાર્મ હાઉસ, માનવ હ્દય, ગણિતના નમૂનાઓ, પરમાણુંઓ, અણુઓ, રોબોટિક્સ, ચંદ્રગ્રહણ, સુર્ય ગ્રહણ તેમજ સામાજિક વિજ્ઞાાનના નકશા, ચાર્ટસ જેવા વર્કીગ મોડેલ રજૂ કરવામાં આવ્યા હતાં. આ ‘પ્રોજેક્ટ પ્રદર્શન’ને નિહાળવા ધોરણ ૫ થી ૧૨ ના શાળાના વિદ્યાર્થીઓ તો ખરા જ પરંતુ વાલીઓએ તેમજ મંડળના ટ્રસ્ટીઓએ પણ એટલા જ ઉત્સાહથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
