




ગાંધીનગરના સચિવાલય જીમખાના ખાતે આયોજિત ‘અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન સ્પર્ધા‘નો રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે શુભારંભ કરાવ્યો હતો.
સ્પર્ધાને ખુલ્લી મૂકી ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરતા શ્રી અશ્વિની કુમારે જણાવ્યું કે, સતત પાંચમી વાર આ બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન ગુજરાતમાં થઇ રહ્યું છે, જે ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું કે, આ વર્ષે બેડમિન્ટન સ્પર્ધામાં વિવિધ રાજ્યો સહિત કુલ ૪૧ ટીમો અને લગભગ ૬૭૦થી પણ વધુ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ સંખ્યા અગાઉના વર્ષો કરતા ખૂબ જ મોટી છે.
વધુમાં અગ્ર સચિવશ્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતે ત્રણ મહિના કરતા પણ ઓછા સમયમાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું. જેનું મુખ્ય કારણ ગુજરાતનું ઓલમ્પિક લેવલનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસીલીટી અને મજબૂત ટીમ છે. હવે ગુજરાત વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિકની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓ પણ ગુજરાતમાં અત્યારથી જ શરુ કરવામાં આવી છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર વતી રાજ્ય સરકાર દ્વારા તારીખ ૩૧ જાન્યુઆરી થી ૬ ફેબ્રુઆરી દરમિયાન “અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન સ્પર્ધા ૨૦૨૨-૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વૈધાનિક અને સંસદીય બાબત વિભાગના સચિવ શ્રી સી. જે. ગોઠી, ગાંધીનગર મહાનગપાલિકાના મ્યુનસિપલ કમિશનર શ્રી સંદીપ સાંગલે, ઓર્ગેનાઈઝીંગ કમિટીના ચેરમેન શ્રી જ્વલંત ત્રિવેદી, સેન્ટ્રલ સ્પોર્ટ્સ બોર્ડના કન્વીનર શ્રી રાજીવ શર્મા અને ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસિએશનના સેક્રેટરી શ્રી મયુર પરીખ સહિતના મહાનુભાવો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.