એક હાથ ગુમાવ્યો, હોસ્પિટલની પથારીમાંથી બીજા હાથથી મહેનત કરી પરીક્ષા આપી યુવતી બની તબીબ

મુસ્કાનને પ્રેરણાદાયી વાત જાણી કલેક્ટર શ્રી અતુલ ગોરે તેણીને ઓફિસમાં આમંત્રી સન્માન કર્યું

વડોદરા, તા.૧૦ માર્ચ, ૨૦૨૩ શુક્રવાર (વિ.સં.૨૦૭૯ ફાગણ વદ ૩)   હાથ કે તેમાં નસીબની લકીર ના હોય તો પણ પ્રબળ પુરુષાર્થ, મક્કમ મનોબળ અને નૈતિક હિંમત સાથે આગળ વધીએ તો ચોક્કસ સફળતા મળે છે, એ વાતની પ્રતીતિ વડોદરા શહેરની મુસ્કાન શેખે કરાવી છે. એક દુર્ઘટનામાં પોતાનો એક હાથ ખોઇ બેઠેલી આ યુવતીએ હિંમત હાર્યા વિના પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો અને આજે તે એસએસજી હોસ્પિટલમાં એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

આજથી નવેક વર્ષ પહેલા મુસ્કાન ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એક પ્રવાસ દરમિયાન નડેલા અકસ્માતમાં તેણીએ પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. શરીરનું એક અંગ ઓછું થાય એટલે ભારોભાર તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ, ભણવામાં ખૂબ જ મેઘાવી મુસ્કાને હિંમત હાર્યા વિના ડાબા હાથે લખવાનો મહાવરો સાધી લીધો અને દીલ લગાવી પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો. મુસ્કાનના માતાપિતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે પણ પોતાની વ્હાલસોયી પુત્રીને ભણવામાં કાંઇ ઓછું ના આવે તેની તકેદારી રાખી.

            ૨૦૧૪માં અકસ્માત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મુસ્કાનને ધોરણ ૮ની પરીક્ષા આપવાના હોવાથી ડાબા હાથેથી લખવાનો મહાવરો કેળવવાની શરૂઆત કરી દીધી હતી અને પ્રથમ વખત ડાબા હાથે લખી પરીક્ષા પણ સારી રીતે આપી હતી.

            તેની તેજસ્વીતાનો ગ્રાફ ઉપર ચઢતો ગયો અને તેણીએ ધોરણ ૧૦માં ૯૪ ટકા, જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૧ ટકા મેળવ્યા હતા. એ બાદ મેડિકલ શાખામાં પ્રવેશ માટેથી નીટમાં સારા ગુણાંક મેળવી શારીરિક અશક્ત શ્રેણીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી હતી.

            આમ તેણીએ હિંમત હાર્યા વિના વિકટ પરિસ્થિતિનો સામનો કરી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી છે. આ વાતની જાણ થતાં કલેક્ટર શ્રી અતુલ ગોરે તેણીને પોતાની કચેરીમાં આમંત્રી સન્માન કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *