રિપોર્ટ ,મયુર પટેલ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, દેશી ગાયનું મહત્વ, ખેત ઉત્પાદનનું મૂલ્યવર્ધન, પંચગવ્યનો ઉપયોગ, રોગ જીવાત નિયંત્રણ પર માર્ગદર્શન મેળવ્યું



પ્રાંતિજ તાલુકાની મહિલા ખેડૂતોએ સણવલ્લાની નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પ્રસાર કેન્દ્રની મુલાકાત લીધી


આત્મા પ્રોજેક્ટ-સાબરકાંઠાના ઉપક્રમે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાની ૪૬ મહિલા ખેડૂતો સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત પ્રાકૃતિક કૃષિના પ્રસારક ભરતભાઈ પટેલ સંચાલિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પ્રસાર કેન્દ્રના પ્રેરણા પ્રવાસે આવ્યા હતા, જ્યાં આત્મા પ્રોજેક્ટ-સુરત અને સાબરકાંઠા દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં મહિલા ખેડૂતોએ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી. પ્રાકૃતિક કૃષિ તજજ્ઞશ્રી જિજ્ઞાશુભાઈ ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, દેશી ગાયનું મહત્વ, ખેત ઉત્પાદનનું મૂલ્યવર્ધન, પંચગવ્યનો ઉપયોગ, રોગ જીવાત નિયંત્રણ પર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓએ નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પ્રસાર કેન્દ્રની ફિલ્ડ વિઝીટ કરી હતી.
દેશી ગૌપાલન, ગાયના ગોબર અને ગૌમુત્રથી ખેતીને નફાકારક બનાવી શકાય છે, જીવામૃત, ઘનજીવામૃત્ત એ ખાતર અને જંતુનાશક બંન્નેની ગરજ સારે છે, અને રસાયણોના વ્યાપક ઉપયોગથી કરેલી ખેતીથી બગડેલી જમીન સુધારે છે એમ જિજ્ઞાશુભાઈએ જણાવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ શિક્ષણના પ્રચાર-પ્રસાર, તાલીમ અને વિસ્તરણ હેતુ સહ આયોજિત આ પ્રવાસ/તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ-સુરતના ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, ડે.ડાયરેક્ટરશ્રી રિતેશ ભાવસાર, સંજય આહીર, આત્મા પ્રોજેક્ટ-મહુવાના BTM/ATM શ્રી વિપુલભાઈ પટેલ, BTM (સાબરકાંઠા) નરેન્દ્રસિંહ, ATM વિક્રમસિંહ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેરણા પ્રવાસ સહ તાલીમવર્ગને સફળ બનાવવા હર્ષ પટેલ, વિશાલ વસાવા, અમિતા પટેલ, હની પટેલ, મમતા વસાવા અને સમગ્ર નંદનવન પરિવારે જહેમત ઉઠાવી હતી.