

જામનગર (ભરત ભોગાયતા)
સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ તાલુકાનાં મનડાસર ગામના વતની અને રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કવિ-સાહિત્યકાર ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ના પિતાશ્રીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પીતાંબરભાઈ ગણેશભાઈ ચાવડા ગ્રંથાલયના ઉપક્રમે બીઆરસી ભવન, થાન તેમજ મનડાસર પ્રાથમિક શાળાના સહયોગથી તા. 17 માર્ચ, 2023ના રોજ મનડાસર મુકામે યોજાયેલ સાંસ્કૃતિક સમારોહ અંતર્ગત ચિત્ર, કાવ્યલેખન, નિબંધલેખન, વક્તૃત્વ સ્પર્ધાઓમાં થાન તાલુકાની શાળાઓમાં અભ્યાસ કરતાં 100થી વધારે વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
કાર્યકમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી માનગર ગોસાઈ, થાન બીઆરસી કૉઓર્ડિનેટરશ્રી પ્રિયાંક કોષ્ટી, ગામના સરપંચશ્રી સવુબહેન ડાભી, ગામ આગેવાનશ્રી બચુભાઈ ડાભી, રાજકીય આગેવાનોશ્રી સુરેશ ધરજીયા, ગીતાબેન માલકિયા, મનડાસર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી નિલેષ મકવાણા, રામપર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ગલાભાઈ મકવાણા, લાખામાચી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દેવેન્દ્ર ધમલ, ચોટીલા સીઆરસી કૉઓર્ડિનેટરશ્રી ડૉ. વિનોદ સોયા, ચોટીલાના શિક્ષકશ્રી ડૉ. રોહિત ગઢવી, રત્નાભાઈ માલકિયા સાથે મુખ્ય અતિથિ રૂપે ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ હાજર રહ્યાં હતાં.
કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહાનુભાવોના દીપ પ્રાક્ટય બાદ મનડાસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ ‘શુભ દિન આયો…’ ગીત પર મોહક સ્વાગત નૃત્ય કર્યું હતું. તાલુકા શિક્ષણાધિકારીશ્રી અને બીઆરસી કૉઓર્ડિનેટરશ્રી સ્વાગતપ્રવચનમાં જણાવ્યું હતું કે ‘સમગ્ર કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિના સહયોગથી યોજાયો છે, જેની મુખ્ય પ્રેરણા ગામના કવિ ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ છે. મહાનગર અમદાવાદમાં રહીને પણ ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ પોતાનાં વતન મનડાસરને સાંસ્કૃતિક સ્પર્ધાઓ થકી, શૈક્ષણિક પારિતોષિકો દ્વારા પિતાશ્રી પીતાંબરભાઈની યાદોને જીવંત રાખે છે એ બહુ મોટી વાત છે. કલા-વારસાને નવી પેઢીમાં ઉતારવાનો સક્રીય પ્રયાસ ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ કરી રહ્યા છે એ આપણા સહુ માટે ગૌરવની વાત છે.’
રાજકીય આગેવાનશ્રી સુરેશ ધરજીયાએ જણાવ્યું હતું કે ‘ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીને યાદ કરીએ છીએ. થાનમાં શાહબુદ્દીન રાઠોડને યાદ કરીએ છીએ એમ ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ને આપણે યાદ કરીએ. આ સહુ આપણા થાન-ચોટીલા પંથકનાં અમૂલ્ય રત્નો છે.’
પિતાની સ્મૃતિમાં યોજાયેલ સમારોહમાં ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ પ્રાસંગિક ઉદબોધનમાં ભાવવિભોર થઈ ગયા હતા. એમણે જણાવ્યું હતું કે ‘આ ગામની માટીમાં મારા પૂર્વજોનાં પગલાં છે, જેનો પગરવ આજે પણ મને ગામ તરફ ખેંચે છે. ગામ સાથે નાતો રહે એવા આ સમગ્ર કાર્યક્રમની પ્રેરણા મારા પિતા અને મારા પિતાને વહાલી એવી મારી દીકરી છે. શાળામાં અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિનાં પારિતોષિકો સુષુપ્ત કળાને પ્રોત્સાહિત કરે છે. જેમને ઇનામ મળે છે એટલા જ હકદાર જેમણે ભાગ લીધો છે એ પણ છે એટલે જ સ્પર્ધામાં પ્રોત્સાહક પારિતોષિક પણ છે. આગામી દિવસોમાં ગામમાં પીતાંબરભાઈ ગણેશભાઈ ચાવડા ગ્રંથાલય સુચારુ રૂપે કાર્યરત થતાં જ આ પ્રવૃત્તિને આથી વિશેષ આગળ ધપાવીશું.’
પ્રવચનો બાદ વર્ષ 2022માં મનડાસર પ્રાથમિક શાળામાં ધોરણ-3થી ધોરણ-10માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને પીતાંબરભાઈ ગણેશભાઈ ચાવડા સ્મૃતિ શિક્ષણ પારિતોષિક અંતર્ગત ધનરાશિ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. દીકરી શિક્ષણને પ્રોત્સાહન મળે એ હેતુથી ધોરણ-10માં પ્રથમ આવેલી વિદ્યાર્થિનીને અલગથી ‘દીકરી પારિતોષિક’ અંતર્ગત ધનરાશિ અને પ્રમાણપત્ર કવિપુત્રી મૈત્રી ચાવડાનાં હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. આમ, કુલ 4,500/-ના શૈક્ષણિક પારિતોષિકો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
શિક્ષણ પારિતોષિક અંતર્ગત (ધોરણ-3), (ધોરણ-4), (ધોરણ-5), (ધોરણ-6), (ધોરણ-7), (ધોરણ-8), (ધોરણ-9), (ધોરણ-10) (ધોરણ-10 દીકરી) વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સાંસ્કૃતિક સ્પર્ધા અંતર્ગત તમામ વિજેતાઓને ક્રમશઃ અનુક્રમે પ્રથમ ક્રમે રૂપિયા 1000/-, દ્વિતીય ક્રમે રૂપિયા 750/-, તૃતીય ક્રમે 500/- એમ કુલ રૂપિયા 9,000/-નાં પારિતોષિકો અને પ્રમાણપત્રો ચાવડા પરિવાર તરફથી આપવામાં આવ્યાં હતા. એટલું જ નહીં તમામ પ્રતિભાગીઓને પણ પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ તેમજ સહભાગિતા પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં.
‘ચિત્ર સ્પર્ધા’માં પ્રથમ ક્રમે સુખદેવ રાજુભાઈ ભવાણિયા, રાવરાણી પ્રાથમિક શાળા, દ્વિતીય ક્રમે હીરુ રઘાભાઈ કમળેજિયા, સ.મા.શા, તૃતીય ક્રમે પૂજા પ્રદીપભાઈ દેત્રોજા, થાન-13 વિજેતા થયાં હતાં.
‘કાવ્ય સ્પર્ધા’માં પ્રથમ ક્રમે અંજુબેન વજાભાઈ સારદિયા, ખાખરાથળ, દ્વિતીય ક્રમે નીતાબેન શૈલેષભાઈ ઝરવરિયા, થાન-13, તૃતીય ક્રમે ઋતિકાબેન રાજુભાઈ મકવાણા, થાન-6 વિજેતા થયાં હતાં.
‘નિબંધ સ્પર્ધા’માં પ્રથમ ક્રમે મિત્તલબેન મેરુભાઈ મકવાણા, થાન-6, દ્વિતીય ક્રમે તમન્ના ગુલામહુસેન અંસારી, થાન-13, તૃતીય ક્રમે કોમલબેન કાળાભાઈ લોહ, ખાખરાથળ વિજેતા થયાં હતાં.
‘વક્તૃત્વ સ્પર્ધા’માં પ્રથમ ક્રમે અંજલિ વિપુલભાઈ ડાભી, થાન-6, દ્વિતીય ક્રમે આયુષી તુષારભાઈ પટેલ, થાન-6, તૃતીય ક્રમે રવિના ભરતભાઈ દેગામા, મ્યુ. શાળા, થાન વિજેતા થયાં હતાં.
સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ડૉ. વિનોદ સોયા, ડૉ. રોહિત ગઢવી, જયસુખ વાઘેલા, ઇમરાન બાદી, ધનજીભાઈ વલેરા, જ્યોતિબેન, જયંતિભાઈ, કવિ શ્યામે સેવાઓ આપી હતી.
અંતમાં કાર્યક્રમ સંયોજકશ્રી જયસુખ વાઘેલા જણાવ્યું હતું કે ‘સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ ગામની પ્રાથમિક શાળામાં આવી આગતા-સ્વાગતા, આયોજન અને પારિતોષિકો સાથે તાલુકા કક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હોય તો તે આ મનડાસર ગામની પ્રથમ ઘટના છે. બાળકોમાં શિક્ષણ અને સાહિત્ય બંને ક્ષેત્રમાં કશું કરવાની જિજ્ઞાસા જન્મે એવાં ગામ-કવિના પ્રયત્નો અભિનંદનીય છે. કવિનું બાળપણ નગરમાં વીત્યું છે અને એટલે જ ગામનું, પૂર્વજોનું ઋણ ચૂકવવાની તેમની આ નેમ વંદનીય છે.’
કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓની ઇચ્છાને માન આપીને ડૉ. અશોક ચાવડા ‘બેદિલે’ ‘દીકરી’ ગઝલનું પઠન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મનડાસર પ્રાથમિક શાળાનાં શિક્ષકો, કરસનભાઈ નાકિયા, જયેશભાઈ, જ્યોતિબહેન, શામજીભાઈ, ઇમરાનભાઈ, મનીષભાઈ અને શાળના આચાર્યશ્રી નિલેષભાઈએ સતત ખડેપગે રહ્યાં હતાં.