
આ યોજના થકી લીમખેડા, સીંગવડ,ઝાલોદનાં ૬૪ ગામોના ૧.૩૩ લાખ લોકોને માથાદીઠ ૧૦૦ લીટર પીવાનું પાણી મળશે
૭૦ કિ.મી. લાંબી પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો કરમદી હેડવર્કસ ખાતે પહોંચતો કરાશે*
દાહોદ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી નક્કર કામગીરી થઇ રહી છે – સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર

સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કડાણા બલ્ક પાઇપલાઇન આધારિત લીમખેડા જુથ પાણી પુરવઠા યોજના અંદાજીત રકમ રૂ. ૧૦૧.૮૯ કરોડના કામોનો શુભારંભ કરાવ્યો છે. સાંસદશ્રી ભાભોરે આ વેળા એ જણાવ્યું હતું કે આ યોજનાઓ ભવિષ્યના વિઝન સાથે એક મિશન સ્વરૂપે સાકાર કરવામાં આવી રહી છે.
સીંગવડના કરમદી ગામેથી યોજનાનો શુભારંભ કરાવા સાંસદશ્રીએ જણાવ્યું કે, લીમખેડા જુથ પાણીપુરવઠા યોજના થકી અહીંના ૬૪ ગામોના ૧૩૩૨૭૬ લોકોની પીવાના પાણીની જરૂરીયાત સંતોષાશે. એટલું જ નહીં આ ભવિષ્યમાં વસ્તી વધીને બે લાખથી વધુ થઇ જાય તો પણ પીવાના પાણી માટેની સમસ્યા નહીં સર્જાય એ રીતનું આયોજન કરાયું છે.
સાંસદશ્રીએ જણાવ્યું કે, આ યોજના અંતર્ગત લીમખેડા તાલુકાના ૪૩, સીંગવડ તાલુકાના ૧૮, ઝાલોદ તાલુકાના ૩ એમ કુલ ૬૪ ગામોને લાભ મળશે. કડાણા બલ્ક પાઇપલાઇન આધારિત રૂ. ૧૦૧.૮૯ કરોડની લીમખેડા જુથ પાણી પુરવઠા યોજનાને વહીવટી મંજૂરી મળી છે અને તેની કામગીરીનો આજથી શુભારંભ કરાયો છે.
.
તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી નક્કર કામગીરી કરવામાં આવી છે. કડાણા અને નર્મદા આધારિત વિવિધ યોજનાઓ થકી જિલ્લામાં પાણી ગામે ગામ પહોંચતા કરવા સરકાર પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.
લીમખેડા જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત લાભાર્થી ગામોને નવીન જુથ યોજનાના કરમદી હેડવર્કસ મારફતે વિતરણ વ્યવસ્થાની પાઇપલાઇન મારફતે જરૂરીયાત મુજબના સ્ટોરેજ સ્ટ્રકચર બનાવી ગામના સૂચિત ભૂર્ગભ સંપ સુધી પુરૂ પાડવામાં આવશે.
યોજનાના સોર્સ તરીકે કડાણા ડેમ બલ્ક પાઇપલાઇન આધારિત યોજના અન્વયે ભાણાસિમલ ગામ નજીક બનાવવામાં આવનારા ઇન્ટેકવેલનો ઉપયોગ કરાશે.
યોજનામાં કડાણા ડેમ આધારિત બલ્ક પાઇપલાઇન યોજનાના ઇન્ટેકવેલ થી કરમદી હેડવર્કસ સુધી કુલ ૪ પંપીગ સ્ટેશન દ્વારા પંપીગ કરી કુલ ૭૦ કિ.મી. પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો કરમદી હેડવર્કસ ખાતે પહોંચતો કરાશે.
કરમદી હેડ વર્કસ ખાતે ૨૦.૭૦ એમએલડી ક્ષમતાના ફીલ્ટર પ્લાન્ટ મારફતે કુલ નંગ ૬૭ નંગ (૦.૧૦ લાખ લીટર ૩૮ લાખ લીટરની ક્ષમતા)ના સંપ તથા ૪૦ નંગ (૦.૨૦ લાખથી ૫.૫૦ લાખ લીટર સુધીની ક્ષમતા)ની ઉંચી ટાંકી, ૩૮૦૪૨૪ મીટર પીવીસી પાઇપલાઇન, ૮૯૧૦૬ મીટર મેટાલીક પાઇપલાઇન મારફતે સમાવિષ્ટ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન છે. આ યોજના પૂર્ણ થયેથી સમાવિષ્ટ ગામોની ૧.૩૩ લાખની વસ્તીને દૈનિક ૧૦૦ લીટર માથાદીઠ પીવાનું પાણી મળી રહેશે.
આ વેળા ધારાસભ્ય શ્રી શૈલેષ ભાભોર સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ યોજના સલગ્ન અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.