
મોડાસા, બાયડ અને ભિલોડા એસટી ડેપોના મુસાફરોને મુશ્કેલી પડશે

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી
9મી એપ્રિલે જુનિયર કલાર્કની પરીક્ષા લેવાનાર છે. ત્યારે મોડાસા ડેપો દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચાડવા અને ત્યાંથી પરત લઇ આવવા માટે 90 જેટલી એસટીબસો ફાળવવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે હજારો મુસાફરોને 2 દિવસ સુધી આમતેમ ભટકવાનો વારો આવશે. મોડાસા, બાયડ અને ભિલોડા એસટી ડેપો ખાતે દરરોજ 25 હજાર ઉપરાંત મુસાફરો અપડાઉન કરતાં હોય છે. જોકે જુનિયર કલાર્કની પરીક્ષાને લઇને આગામી 8 અને 9મી એપ્રિલે એસટી નિગમ દ્વારા ઉપરોક્ત ત્રણેય ડેપોની 90 જેટલી બસો ફાળવવામાં આવી છે.આથી 100 ટકા સંચાલન કઇ રીતે કરવું તે અગેની મુંઝવણ ઉભી થઇ છે. મોડાસા, બાયડ, ભિલોડા સહિત જુદી-જુદી જગ્યાએ પરીક્ષાર્થીઓના બુકિંગ મુજબ એસટી બસો દોડાવવામાં આવશે. હાલમાં ત્રણેય એસટી ડેપો ખાતે દરરોજ બુકિંગ કરવામાં આવે છે. જેનુ એડવાંન્સ બુકિંગ કરી શકાશે. તેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ પણ મુસાફરોને આપવો પડશે નહી. 7મી એપ્રિલની મધ્યરાત્રે ફાઇનલ રીપોર્ટ આવ્યા બાદ એકસ્ટ્રા બસોનુ સંચાંલન કયા રૂટ પર સૌથી વધુ દોડાવી જેનો નિર્ણય લેવાશે. આમ અરવલ્લીના મોડાસા, બાયડ અને ભિલોડા એસટી ડેપો દ્વારા 2 દિવસ 90 બસો પરીક્ષાને લઇને દોડાવવામાં આવનાર હોવાથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ખાનગી વાહનોનો આસરો લેવો પડશે. જુનિયર ક્લાર્કની પરિક્ષામાં વિદ્યાર્થીઓને અલગ-અલગ જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર હોવાથી વિદ્યાર્થીઓને જવા- આવવા માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને પરીક્ષા સ્થળે સમયસર પહોંચી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. ઘણી વખત આવી પરીક્ષાઓને લઈને છાત્રોને સમય પર વાહન ન મળતાં પરીક્ષા સ્થળે સમય પર પહોંચી શકતા નથી અને વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે છે. તેવુ ન બને માંટે આ વ્યવસ્થા ઉભી કરાઈ હોવાનુ મોડાસા એસટી ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું.