
કમલમ ન્યુઝ. સમીર શાહ.
‘સોનાના ઈંડા આપનારી મરઘી’ની કહાવત તો સાંભળી જ હશે. એવી જ એક દુર્લભ પ્રજાતિ છે-કડકનાથ. જેના વિશે ઘણાં ઓછાં લોકો જાણે છે. તેનું લોહી, માંસ અને શરીર કાળા રંગનું હોય છે. આ મરઘી તેના ગુણધર્મોના કારણે ખુબ જ પ્રખ્યાત છે. સમગ્ર દેશમાં આ મરઘાના મોંઘા ઈંડા અને માંસના વેચાણથી દર મહિને લાખોની કમાણી થઇ રહી છે.
ગુજરાત રાજ્યમાં સખી મંડળોની આવક બમણી કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ નિર્ધારને તાપી જિલ્લાની સખી મંડળની બહેનો સાર્થક કરી રહી છે. “કડકનાથ મરઘા” તેના ઉચ્ચ ગુણવતાયુક્ત માંસ માટે જગપ્રખ્યાત છે. તાપી જિલ્લામાં પણ લોકો તેના માંસને ખુબ પસંદ કરી રહ્યા છે. આ મરઘાના વેચાણ દ્વારા તાપી જિલ્લાની ૮૫ સખીમંડળની લગભગ ૨૨૦ જેટલી બહેનો કડક કમાણી કરી આર્થીક રીતે સધ્ધર બની છે.
આ પૈકી એક શિયોન સખી મંડળ નાની ચીખલીની નયનાબેન ગામીત સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને સરકારશ્રીના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મિશન મંગલમ યોજનામાં અમારી શિયોન સખીમંડળને ૭૦ હજારના મરઘાના સેડ સાથે કડકનાથ મરઘાની લોન મળી છે. જેના માટે અમે સૌ બહેનો સરકારશ્રીની આભારી છીએ. અમે હાલ ગામડામાં જ વેચાણ કરીએ છે. જેમાં મરઘાની કિંમત એક હજાર રૂપિયા કિલો અને એક ઇંડાને ૨૦ રૂપિયા મુજબ વેચાણ કાર્ય ચાલુ છે.
નયનાબહેને વધુમાં ઉમેર્યું હતું કે, તેમણે અત્યાર સુધી ૪૦ જેટલા મરઘાનું વેચાણ કર્યું છે જેમાંથી અંદાજીત ૨૫ હજાર જેટલી આવક મેળવી છે. જેમાંથી અમે પરિવારને આર્થીકરૂપે મદદ રૂપ બનવાની સાથે સાથે લોનની ભરપાઇ પણ કરી રહ્યા છે. તાપી જિલ્લામાં પ્રથમ વખત અમારી સખી મંડળને જ મરઘાના સેડની સહાય મળી છે. આ સેડ અને મરઘા દ્વારા થતી આવક જોઇ અન્ય બહેનોએ પણ આ વ્યવસાય અપનાવ્યો છે જે ખુબ ખુશીની બાબત છે. મરઘા પાલનમાં સમયનો બાંધ રહેતો નથી અન્ય કામકાજ સાથે પણ આ વ્યવસાય કરી શકાય છે જેથી બહેનોએ ખાસ આ વ્યવસાય અપનાવો જોઇએ. અને આર્થીક રૂપે પરિવારને મદદરૂપ બનવું જોઇએ.
બોક્ષ:
આ ઉપરાંત જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ સમયાંતરે મરઘા પાલન અંગે નિ:શુલ્ક તાલીમ યોજાતી હોય છે જેમાં વિવિધ પ્રકારની બ્રીડ માટે અને કડકનાથ અંગે પણ તાલીમો યોજવામાં આવે છે. આ તાલીમો બાદ ૧૫ બહેન-ભાઇઓએ મરઘા પાલનને પોતાનો વ્યવસાય બનાવેલ છે. જે સફળતા પુર્વક ખેતીવાડી સહિત મરઘા પાલન કરી વધારાની આવક મેળવી રહ્યા છે.
બોક્ષ:
કાળા મરઘાની આ પ્રજાતિ મધ્ય પ્રદેશના જંગલોમાં જોવા મળે છે
તેનું લોહી, માંસ અને શરીર કાળા રંગનું હોય છે. તેને કાળી મરઘી તરીકે પણ લોકો ઓળખે છે. કડકનાથ મરઘીના ચિકનમાં પ્રોટીન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય ચિકનમાં પ્રોટીનની માત્રા લગભગ 18 થી 20 ટકા હોય છે, જ્યારે કડકનાથમાં 25 ટકા સુધી પ્રોટીન જોવા મળે છે. જ્યારે એક કિલો માસમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ આશરે 184 મિલિગ્રામ અન્ય મરઘીઓમાં તે લગભગ 214 મિલિગ્રામ પ્રતિ કિલો છે. કડકનાથમાં લગભગ એક ટકા ચરબી હોય છે, જ્યારે અન્ય ચિકનમાં 5 થી 6 ટકા ચરબી હોય છે. કડકનાથ મરઘીના ઈંડામાં વિટામીન B1, B2, B6, B12, C અને E વિપુલ માત્રામાં મળી આવે છે.
ઉલ્લેખનિય છે કે, સરકારશ્રી દ્વારા નાગરિકોને આર્થીક રીતે સધ્ધર બનાવવા મરઘા વિકાસ, ઘેટા વિકાસ, ડેરી વિકાસ, ઘાસચારા વિકાસ જેવી વિવિધ યોજનાઓ દ્વારા પશુપાલન વિભાગના માધ્યમ થકી પશુધન ઉત્પાદનમાં વધારો કરવા અને રોજગારલક્ષી વ્યવસાયનો વ્યાપ વધારવાનો નિર્ધાર કરેલ છે. આ સાથે વિવિધ વિભાગો જેવા કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી સુયોગ્ય તાલીમ અને મિશન મંગલમના માધ્યમથી લોન પણ મેળવી શકાય છે. તાપી જિલ્લો ખેતી અને પશુપાલન ઉપર આધારિત જિલ્લો છે. જેમાં ગાય-ભેંસના પાલન સાથે બકરા કે મરઘા પાલનના વ્યવસાયનો વ્યાપ વધતા નાગરિકો વધારાની આવક મેળવી સધ્ધર બની રહ્યા છે. જેમાં કડકનાથ મરઘા તાપી જિલ્લાની સખી મંડળની બહેનો માટે ‘સોનાના ઇંડા આપનાર મરઘી’ સમાન સાબીત થઇ રહ્યા છે.