


શ્રીનરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારતાં તમામ લોકોને ગરમીમાં રાહત મળે તે માટે વિદેશના દાતા દ્વારા ૨૭ થી ૩૦ ટન તરબુચ અને ૫ ટનથી વધુ શક્કર ટેટીનું પણ નિઃશુલ્ક વિતરણ
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની શહેરની ભાગોળે બદ્રીકાશ્રમનાં દિવ્ય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં આવતાં હરિભક્તો સહિતનાં લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંતો સહિત સ્વયંમસેવકો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વધતી ગરમીને ધ્યાને લઇને સ્થળ પર લોકોને ઠંડક મળી રહે તે માટે શેરડીનો રસ, તરબુચ અને શક્કરટેટી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.
શાસ્ત્રીસ્વામી દેવચરણદાસજીએ જણાવ્યુ હતું કે, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંત ભગવદજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત , કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામી શ્રી. સુકદેવસ્વરૂપદાસજી નાં માર્ગદર્શનમાં નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની બદ્રીકાશ્રમ ખાતે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં પ્રદર્શની સહિતનાં અનેકવિધ પ્રકલ્પોને જાેવા તેમજ માણવા માટે દરરોજ હજ્જારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તેઓને ગરમીમાં રાહત થાય, ઠંડક મળે તે માટે શેરડીનો ઠંડો રસ, તરબુચ અને શક્કરટેટી નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે.
મુળ રામપરના અને હાલે યુકે વસતા ફુડ એન્ડ વેજીટેબલનાં ડાયરેક્ટર હિરજીભાઇ લાલજીભાઇ હિરાણી તરફથી મુલાકાતીઓને શેરડીનો રસ, તરબુચ તથા શક્કરટેટી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. જેમાં રામપરનું યુવક મંડળ, યુવતી મંડળ, વડીલો મળીને ૨૦૦થી વધુ સ્વયંસેવકો ભરપુર સેવા કરી રહ્યા છે. અહીં અંદાજીત દરરોજ ૩૫ ટનથી વધુ શેરડી પીલવામાં આવે છે, જ્યારે ૨૭ થી ૩૦ ટન જેટતા તરબુચ તેમજ ૫ ટનથી વધુ શક્કરટેટી કાપીને ઠંડી કરીને હરિભક્તો સહિત મુલાકાતીઓને આપવામાં આવી રહી છે. આ સેવા મહોત્સવની પૂર્ણાહુતિ સુધી અવિરત પણે ચાલુ રહેશે.
અંતમાં તેમણે સ્થળ પર જ શેરડીનો રસ કાઢવા માટે ઓટોમેટીક મશીન પણ બેસાડવામાં આવ્યું છે. આ મશીન દ્વારા શેરડીનાં રસની ૨૦૦ એમએલની બોટલ ભરાઇને પેકીંગ પણ થાય છે. આ બોટલોને કથા સાંભળતા સર્વે યજમાનો, દાતાઓ તેમજ હરિભક્તો સહિતનાં લોકોને સભા મંડપમાં વિતરણ કરવામાં આવે છે.