
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપનાર અને વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર ચાર મહાનુભાવોને ડી. લિટ (ડૉક્ટર ઓફ લિટરેચર) ની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમ સમગ્ર વિશેષ અહેવાલમા જામનગર જીલ્લા માહિતી કચેરીના નાયબ નિયામક ગોજારીયા ના માર્ગદર્શન હેઠળ સિનીયર સબ એડીટર પારૂલ કાનગડે જણાવ્યુ હતુ અને ઉમેર્યુ છે કેહાલ જામનગરમાં રહેતા અને 54 વર્ષથી આયુર્વેદના વ્યવસાયમાં તબીબી અને શૈક્ષણિક કાર્ય સાથે હંમેશા જોડાયેલા પદ્મશ્રી ડૉ. ગુરદીપ સિંઘનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૯૪૧માં થયો હતો. વર્ષ ૧૯૬૬માં જીવાજી યુનિવર્સિટી ગ્વાલિયરમાં બીએએમએસના અભ્યાસક્રમમાં તેઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. વર્ષ ૧૯૭૧માં બીએચયુ વારાણસી યુનિવર્સિટીમાં કાયચિકિત્સા વિષયમાં એમ. ડી.(આયુર્વેદ), વર્ષ ૧૯૭૪માં વારાણસી બીએચયુમાં કાયાચિકિત્સામાં પીએચડીની ડિગ્રી તેમજ વર્ષ ૧૯૬૦માં એનસીસીમાં એનસીસી બી સર્ટિફિકેટ મેળવેલ છે. વર્ષ ૨૦૨૦માં તેઓને ચીકીત્સામાં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૩ ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે. એઆઈટીએ ન્યુ દિલ્હી દ્વારા બેસ્ટ શિક્ષક, આયુર્વેદ શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશિષ્ઠ યોગદાન આપવા બદલ સહિતની અનેક સિદ્ધિઓ તેઓએ મેળવેલ છે. પદ્મશ્રી ડૉ. ગુરદીપ સિંઘ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ સેવા આપી ચૂક્યા છે.તેમજ ડિપ્લોમા ઇન પંચકર્મા વિષય ઉપર તેઓએ રિસર્ચ કરેલ છે. અને વિદેશની યુનિવર્સિટીઓમાં પણ ડૉ.ગુરદીપસિંઘ આયુર્વેદ ક્ષેત્રે પ્રચાર કરી ચૂક્યા છે. તેમના જેવા વિદ્વાન, ઉત્તમ ડૉક્ટર, શિક્ષક અને સંશોધકનું જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. જેમણે પોતાનું આખું જીવન આયુર્વેદ વિજ્ઞાન-સંશોધન અને તાલીમ માટે સમર્પિત કર્યું છે અને આયુર્વેદ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. આ ઉપરાંત જોઇએ તો જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રી ઇન્દુમતી કાટદરેજીને ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમનો જન્મ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના કલોલમાં થયો હતો.તેઓએ અંગ્રેજીમાં જ નહીં પરંતુ સંસ્કૃત ભાષામાં પણ M.A.ની ડિગ્રી મેળવી છે. તેઓ વર્ષ 2004 થી આજ સુધી પુનરુત્થાન વિદ્યાપીઠમાં સ્થાપક વાઇસ ચાન્સેલરનું પદ સંભાળી રહ્યા છે. શ્રી ઇન્દુમતી ૧૦૦ કરતાં પણ વધુ પુસ્તકો લખી ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત અને પૂજનીય નામ ધરાવતા શ્રી ઈન્દુમતી કાટદરેજી જેઓ પરિશ્રમશીલ અને સમર્પિત વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ એક આદર્શ શિક્ષકનું ઉદાહરણ છે.

શ્રી ઇંદુમતી કાટદરેને ગુજરાત સરકાર દ્વારા મગનલાલ દેસાઇ શિક્ષણ પુરસ્કાર, જ્ઞાન પ્રબોધિની પૂણે દ્વારા ગુરુ ગૌરવ પુરસ્કાર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિલ્હી દ્વારા શિક્ષણ ભૂષણ પુરસ્કાર તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જન કલ્યાણ સમિતિ મહારાષ્ટ્ર દ્વારા શ્રી ગુરુજી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. તેમ વિગતના અંતે જામનગર જીલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડીટર પારૂલ કાનગળે જણાવ્યુ છે