આહવા ખાતે યોજાઈ પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠક

આગામી ચોમાસાને ધ્યાને લઇ પ્રિમોન્સુન કામગીરી માટે જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક

અમરનાથ જગતાપ

વિશિષ્ટ ભૃપૃષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લામા ખાસ કરીને ચોમાસા દરમિયાન ભુસ્ખલન તથા વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સાથે, લો લેવલ કોઝ-વે અને માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળવાના બનાવો બનતા હોય છે. તેવા સમયે જિલ્લાના સંબંધિત અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ તેમજ પોતાની ફરજ દરમિયાન બિનચુક કામગીરી કરવાની તાકીદ ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે કરી છે.

આહવા ખાતે યોજાયેલી પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠકમા માર્ગદર્શન આપતા કલેકટરશ્રીએ, સંદેશા વ્યવહાર સહિત વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તાકીદ કરતા, જિલ્લામા ચોમાસા દરમિયાન નોંધાતા જાનમાલની નુકશાન બાબતે સમયસર ત્વરીત કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપી હતી.

સરેરાશ ૧૮૦૦ થી ૨૦૦૦ મી.મી. વરસાદ ધરાવતા ડાંગ જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારોમા ચોમાસાના ભારે વરસાદ કે વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થાય તેવી ઘટના સર્જાઈ, તો આકસ્મિક સ્થળાંતર, બચાવ અને રાહત કામગીરી, જરૂરી દવા અને તબીબી સેવાઓ, અનાજ પુરવઠો, વાહન વ્યવહાર સહિતની પ્રાથમિક સેવાઓ ખોરવાઈ નહી તેની વિશેષ તકેદારી દાખવવાની પણ અપીલ કરી હતી. આ ઉંપરાત પુરની સ્થિતિ વેળા સ્થાનિક તરવૈયાઓ સાથે સંકલનમા રહીને કામગીરી કરવા માટે મામલતદારશ્રીઓને સુચના આપી હતી.

ચોમાસામા ડાંગ જિલ્લાનુ સોંદર્ય જ્યારે પૂરબહારમા ખીલી ઉઠે છે ત્યારે, અહીંના ધોધ અને પર્યટન સ્થળોએ પ્રકૃતિ પ્રેમી પર્યટકોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સમયે ફોટોગ્રાફી અને સેલ્ફીની ઘેલછામા, કેટલાક પ્રવાસીઓ પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે, અને આડેધડ પાર્કિગ કરવાને લીધે જાહેર વાહન વ્યવહાર પણ અવરોધાતો હોય છે. આવી સ્થિતિનુ નિર્માણ ન થાય તે માટે સુચારૂ પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે, લો લેવલ કોઝ-વે કે માર્ગો ઉપર ફરી વળતા વરસાદી પૂરને કારણે કોઈ અનિચ્છનિય ઘટના ન બને, તેની તકેદારીના ભાગરૂપે જરૂરી સિકયોરિટી ગાર્ડની સેવા ઉપલબ્ધ રાખવાની પણ કલેકટરશ્રીએ સૂચના આપી હતી.

ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે પ્રજાકિય જાનમાલના નુકશાન વેળા ચૂકવાતી સહાય, કેશડોલ્સની કામગીરી સહિત ગ્રામીણ કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સ્વૈચ્છીક-સામાજિક સંસ્થાઓની ભૂમિકા સુનિશ્ચિત કરવાની હિમાયત પણ કલેકટર શ્રી મહેશ પટેલે કરી હતી.

બેઠકનું સંચાલન કરતા ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહજી ચાવડાએ વિભાગવાર જવાબદારીઓનુ પ્રેઝન્ટેશન રજુ કરતા, એક્શન પ્લાનની વિગતો રજુ કરી હતી. તેમજ આગામી તા.૧લી જુન ૨૦૨૩ થી જિલ્લાનો કંટ્રોલરૂમ (૦૨૬૩૧-૨૨૦૩૪૭) રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરવા સાથે, દરરોજની માહિતી કંટ્રોલ રૂમમા નોંધાવવાની, સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

શ્રી ચાવડાએ ડિઝાસ્ટર સંબંધિત લાયઝન અધિકારીઓની નિમણૂક, ઈમરજન્સી કીટ, સરકારી વાહનો જેવા મુદ્દે પણ વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.

બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર શ્રી શિવાજી તબિયાડ, પ્રાયોજના વહિવટદાર શ્રી સુથાર રાજ રામચંન્દ્ર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ. જી. પાટીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી, કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હિમાંશુ ગામીત, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર શ્રી હેંમત ઢીમ્મર, તાલુકા મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *