
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારને ૯ વર્ષ પૂર્ણ થવા પર ૧ જૂન થી ૩૦ જૂન ભાજપ વિશેષ જનસંપર્ક અભિયાન હાથ ધરશે.

ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટ પર પાંચ લાખ મતોથી વધુની લીડ મેળવવાનું ભાજપનું લક્ષ્ય

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા.૨૩ મે, મંગળવારે સ્ટાફ ટ્રેનિંગ કોલેજ સે.૧૭ ખાતે શહેર ભાજપની બૃહદ્ કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારને ૯ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે બેઠકમાં ઉપસ્થિત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને ભાજપાના રાષ્ટ્રવ્યાપી વિશેષ જનસંપર્ક અભિયાન અન્વયે વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.

મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટે મહાનગર ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિનું અભિવાદન કરી શહેર ભાજપા વતી તેમને આવકાર્યા હતા. આ તકે શ્રી ઋચિર ભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા ૯ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા પ્રત્યેક ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી થઇ છે, જન જન આજે અનુભવી રહ્યું છે કે નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે, દેશ બદલાઈ રહ્યો છે, વિશ્વમાં ભારતના વિકાસનો ડંકો વાગી રહ્યો છે ત્યાર પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલજી દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના ગૃહરાજ્ય ગુજરાતમાં આગામી લોકસભાની ચુંટણીમાં તમામ બેઠકો પર ૫ લાખથી વધુ મતોની લીડ સાથે ઐતિહાસિક વિજય મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને તેને હાંસલ કરવામાં મહાનગર ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા પોતાની જવાબદારી નિભાવશે. તા. ૧ થી ૩૦ જૂન કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ભાજપ વિશેષ સંપર્ક અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજશે.
મહાનગરના નવનિયુક્ત પ્રભારી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિએ તેઓને ઉત્સાહપૂર્વક આવકારવા બદલ મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ સહિત સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગાંધીનગર ના ઉત્સાહિત અને તરવરીયા કાર્યકર્તાઓના સહકારથી સૌ સાથે મળી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસ અભિયાનને વેગ આપીશું તેમ જણાવ્યું હતું અને સંગઠનના હોદ્દદારો સાથે પરિચય કેળવ્યો હતો.
મહાનગરના મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપાના વિશેષ જનસંપર્ક અભિયાન હેઠળના વિવિધ સ્તરીય કાર્યક્રમો અંગે સૌને માહિતગાર કર્યા હતાં. આ બેઠકમાં ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, સિનિયર અગ્રણીશ્રીઓ મનપામાં દંડક તેજલબેન નાયી, શહેર તેમજ વોર્ડ સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, વિવિધ મોરચા અને સેલના પદાધિકારીઓ સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.