જિલ્લાના લોકોને યોજનાકીય લાભો સરળતાથી મળી રહે તે જોવાનો સંબંધિત અધિકારીઓને અનુરોધ કરતા સાંસદશ્રી મિતેષભાઇ પટેલ

સાંસદશ્રી મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી

રિપોર્ટ : બીના પટેલ

સાંસદશ્રી મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદશ્રીએ સરકારના વિવિધ યોજનાકીય લાભો જરૂરિયાતમંદોને સમયસર મળે, સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નિર્ધારીત લક્ષ્યાંકો સમયમર્યાદામાં અને ઝડપભેર પૂર્ણ થાય, કોઇપણ સાચો લાભાર્થી સરકારના યોજનાકીય લાભોથી વંચિત રહેવા ન પામે તેમજ આવા યોજનાકીય લાભો મેળવવામાં સાચા લાભાર્થીઓને કોઇ તકલીફ ન પડે તે જોવાનો પણ સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

સાંસદશ્રીએ આયુષ્માન ભારત જેવી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી શરૂ ન થયેલા કામો સત્વર શરૂ કરવા તથા પ્રગતિ હેઠળના કામો ઝડપથી પુર્ણ થાય તે જોવા સુચવ્યું હતું.

બેઠકમાં સાંસદશ્રી મિતેષભાઇ પટેલે કેન્દ્ર-રાજય સરકાર પુરસ્કૃત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલી એવી વિવિધ ૪૨ પ્રકારની યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનેરેગા, મિશન મંગલમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કૃષિ યોજના, નેશનલ હેલ્થ મિશન, બેટી બચાવો – બેટી પઢાઓ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજનાઓની માર્ચ – ૨૦૨૩ સુધીની કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી પ્રતિ સંતોષ વ્યકત કર્યો હતો.

સાંસદશ્રીએ આણંદ જિલ્લાના વિકાસને વેગવંતો બનાવવા માટે જિલ્લામાં હાથ ધરવામાં આવી રહેલ અને હાથ ધરવામાં આવનાર કામો સહિત આગામી સમયમાં જિલ્લામાં હાથ ધરવા પાત્ર કામો જેવાં કે, માર્ગો, પાણી-પુરવઠા, શાળાના ઓરડાઓ, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા વગેરે જેવી વિવિધ બાબતો સંદર્ભે સવિસ્તૃત સમીક્ષા કરી વિગતવાર ચર્ચા કરી હતી. 

બેઠક દરમિયાન બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઇ સોલંકી, ધારાસભ્યો સર્વશ્રી વિપુલભાઈ અને યોગેશભાઇ પટેલ દ્વારા પણ આણંદ જિલ્લાના વિકાસ માટે રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા. 

આ બેઠકમાં કલેકટર શ્રી ડી. એસ. ગઢવીએ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્યાને લઇ સંબંધિત અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતું.

બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. વી. દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપના, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સહિત નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *