
રેઈન વોટર હાર્વેસ્ટીંગ, ટી પ્લાન્ટેશન, ગાર્ડનીંગ સહિતના સુવિધાસભર વિશ્રામગૃહનું નિર્માણ કરાશે


રિપોર્ટ : બીના પટેલ
રાજ્ય સરકારમાં સેવા આપતા વિવિધ વિભાગોના અધિકારી-પદાધિકારીઓ કે જેઓ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું સુચારૂરૂપે અમલીકરણ થાય તેમજ છેવાડાના માનવી સુધી લાભો પહોંચે તે માટે જનસેવામાં સતત કાર્યરત રહે છે. આવા અધિકારી-પદાધિકારીઓને તેમની મુલાકાત દરમિયાન રહેવાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અતિથિગૃહ-વિશ્રામગૃહનું નિર્માણ કરવામાં આવે છે, જે અંતર્ગત બોરસદ ખાતે રૂ. ૧૫૦ લાખના ખર્ચે વિશ્રામગૃહનું નિર્માણ થનાર છે. આ નિર્માણાધિન વિશ્રામગૃહનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી અને સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૩૪૫ ચો.મી જગ્યામાં નિર્માણ પામનાર આ વિશ્રામગૃહમાં ૧ વી.આઈ.પી સ્યુટ, ૪ ડીલક્ષ રૂમ, ડાઈનીંગ હોલ, કિચન, વિકલાંગ ટોઈલેટ સહિતની સુવિધાઓની સાથે રેઈન વોટર હાર્વેસ્ટીંગ, ટી પ્લાન્ટેશન, કમ્પાઉન્ડ વોલ, ઇન્ટરનલ રોડ, પાર્કીંગ વ્યવસ્થા, ગાર્ડનીંગ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ ખાતમુહુર્ત પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી જય બારોટ, માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરશ્રી સહિત અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.