સુરત જિલ્લાના મહુવા ગામના કલ્પેશભાઈ ઓડના ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર

રિપોર્ટ ,મયુર પટેલ

કોઈ ધનવાન માટે આવાસ સહાય નજીવી હોઈ શકે, પણ અમારા જેવા સામાન્ય પરિવાર માટે આ સહાય લાખો રૂપિયા સમાન છે: લાભાર્થી કલ્પેશભાઈ ઓડ

સરકારની સહાયતાથી મજૂરી કામ કરતા કલ્પેશભાઈને સુવિધાયુક્ત પાકું આવાસ મળ્યું

સુરત જિલ્લાના મહુવા ગામમાં રહેતા કલ્પેશભાઈ ઓડના જીવનનું એક સોહામણું સપનું હતું ઘરનું ઘર. તેઓને પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ માટે રૂ.૧.૨૦ લાખની સહાય સરકાર તરફથી પ્રાપ્ત થઈ છે. આવાસીય સહાય મળતા કલ્પેશભાઈ ખુશીથી જણાવે છે કે, કોઈ ધનવાન માટે આ સહાય નજીવી હોઈ શકે પણ અમારા જેવા સામાન્ય પરિવાર માટે આ સહાય લાખો રૂપિયા સમાન સાબિત થઈ છે.
છુટક મજુરી કામ સાથે સંકળાયેલા લાભાર્થી કલ્પેશભાઈ ઓડ જણાવે છે કે, આવાસ માટેની સહાય મળતા ખુબ ખુશી છે. પહેલા મારૂં ઘર કાચુ હતું. માટીથી ચણતર કરેલું અને દેશી નળીયાનું છાપરૂ હોવાથી ચોમાસામાં વધુ વરસાદ પડતા જ ઘરમાં અને આજુ-બાજુ પાણી ટપકતું હતું. અને રહેવા માટે ઘણી જ સમસ્યા થતી હતી. પરંતુ સરકારની સહાયથી પાકું મકાન બનતા સમસ્યા દૂર થઈ છે.
કલ્પેશભાઈ કહ્યું કે, મહુવા ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ દીનદયાળ આવાસ યોજના વિશે અમને માહિતગાર કર્યા હતા. તરત જ ફોર્મ ભર્યું અને અમારૂં આવાસ મંજૂર કરવામાં આવ્યું. જેના પ્રથમ હપ્તે રૂ. ૪૦ હજાર એડવાન્સ પેટે મળ્યા. જેથી મકાનની કામગીરી શરૂ કરી. ત્યારબાદ મકાન લિન્ટલ લેવલ સુધી પહોંચતા બીજા હપ્તે પેટે રૂ. ૬૦ હજાર મળ્યા. મકાનનું બાંધકામ પૂર્ણ થયું, ત્યારે ત્રીજા હપ્તે પેટે રૂ. ૨૦ હજાર મળ્યા. કોઈ પણ વ્યક્તિ માટે એક જ વાર પોતાના સ્વપ્નનું ઘર બનતું હોય છે. જેથી છૂટક મજૂરી કરી બચાવેલી જમાપુંજીમાંથી થોડા રૂપિયા ઉમેરી મકાન વધુ સારૂ અને સુવિધાયુક્ત બનાવ્યું છે. અમે એકલા હાથે મકાન બનાવી શક્યા ન હોત, પણ ખરા સમયે સરકારનો સાથ-સહકાર અને આર્થિક સહાય મળવાના કારણે અમારૂં પણ એક ઘર હોય એવું સપનુ પૂર્ણ થયું છે, જેની મને અને મારા પરિવારને અનહદ ખુશી છે.
આવાસ યોજના અંતર્ગત બાંધકામ પૂર્ણ કર્યું છે. સુવિધાયુક્ત પાકું મકાન બનતા ગામમાં અમારો મોભો પણ વધ્યો છે. અને હવે રહેવા માટે અગાઉ જે સમસ્યાઓ નડતી હતી, તે દૂર થઈ છે. સરકારશ્રીની યોજના મારા પરિવાર માટે આશીર્વાદરૂપ નીવડી હોવાનું તેઓ હરખભેર જણાવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *