સુરત જિલ્લાના મહુવાના વતની સંયુક્ત ખેતી નિયામક મહેશભાઈ પટેલે પિતાના નિધનના શોકમય પ્રસંગને સેવાસભર બનાવ્યો

રિપોર્ટ ,મયુર પટેલ

સુરત જિલ્લાના મહુવાના બારોળિયા ફળિયામાં રહેતા અને હાલ વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા સંયુક્ત ખેતી નિયામકશ્રી મહેશભાઈ એમ. પટેલે પિતાના નિધનના શોકમય પ્રસંગને સેવામય બનાવીને સમાજમાં અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તેમણે પિતાની મરણોત્તર ક્રિયામાં પધારેલા સૌ સ્નેહીજનોને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે વિવિધ પ્રકારના વૃક્ષોના છોડ તેમજ મિલેટ્સ વર્ષ અંતર્ગત નાગલીના પાપડ સહિત મિલેટ્સ કીટ વિતરણ કરી મિલેટ્સને દૈનિક આહારમાં સામેલ કરવાની પ્રેરણા આપી હતી.
વધુમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વર્ષ દરમિયાન બે હજારના ત્રણ હપ્તા લેખે રૂ. ૬,૦૦૦ ની સન્માન રાશિ જે રકમ મળે છે. જેમાં તમામ આદિવાસી ખેડૂતો આ લાભ સમયસર મેળવી શકે એ માટે જરૂરી ઈકેવાયસી (ફેસ ઑથેન્ટિકેશન), બેન્ક ખાતા સાથે આધાર અને લેન્ડ સિડીંગ જેવી કામગીરી પણ આ બારમાની વિધિના સ્થળે જ કરાવી હતી.
શ્રી એમ.એમ.પટેલ સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા મહુવાના વતની છે, અને મહુવા સ્થિત બારોળિયા ફળિયામાં પરિવારજનો રહે છે. તેમના પિતા માધુભાઈ મેઘાભાઈ પટેલનું ગત તા.૨૬ મી જૂનના રોજ નિધન થતા આજે તેમના વતન મહુવામાં ઉત્તરક્રિયા અને બારમાની વિધિ રાખવામાં આવી હતી.
ખાસ કરીને આદિવાસી સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ ઘણી બધી લૌકિક પ્રથાઓ જોડાયેલી હોય છે. પરંતુ મહેશભાઈ અને પરિવારજનોએ આ તમામ પ્રથાઓને તિલાંજલિ આપીને પ્રેરણાદાયી અભિગમ અપનાવી સ્વ.પિતાની સ્મૃતિમાં સ્નેહીઓને આંબાની કલમ, તુલસીના છોડ તેમજ નાળિયેરીના રોપા અર્પણ કર્યા હતા. આ ઉપરાંત, આ વર્ષે યુનો દ્વારા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર ઉજવાઈ રહ્યું છે, જેથી પૌષ્ટિક અને આરોગ્યવર્ધક એવા જાડા ધાન્ય (મિલેટ્સ)ની કીટ પણ ભેટ સ્વરૂપે આપી હતી.
તેમણે સ્વ.પિતાના મૃત્યુના અશુભ પ્રસંગને સામાજિક જાગૃતિના ઉપક્રમમાં ફેરવી દીધો હતો. મરણોત્તર વિધિમાં કૃષિ વિભાગના આ ઉચ્ચ અધિકારીના જાગૃતિસભર અભિગમ અને સમાજ ભાવનાને સગા-સંબંધીઓએ પણ બિરદાવી સાથ સહકાર આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ.બી.ગામીત, મદદનીશ ખેતી નિયામકશ્રી એચ.સી. ગામીત, બારડોલી અને મહુવા ખેતીવાડી વિભાગના ગ્રામ સેવકશ્રીઓ, અગ્રણી શ્રી અનિલભાઈ પટેલ સહિત મહુવા સરપંચશ્રી, ગ્રામજનો, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને પટેલ પરિવારના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *