
મહેસાણા ના રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ના ટ્રસ્ટી શ્રી દક્ષેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર કાશી વિશ્વનાથ મહાદેવ ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમવાર શ્રાવણ માસ પર્વની જબરજસ્ત ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ વર્ષે હિન્દુ ધર્મ પ્રમાણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ પણ શ્રાવણ મહિના તરીકે છે. ત્યારે લાંબા સમય બાદ આવેલ બબ્બે શ્રાવણ માસની પૂજા લોકો અત્યંત કઠોર ભાવ થી ભોલેનાથ ને રીઝવવા લાગણીશીલ અને વંદનીય ભાવથી કરી રહ્યા છે. હિન્દુ દેવ દેવતાઓ માં ભોળાનાથ ને જલ્દી પ્રસન્ન થાય તેવા ભોળીયાદેવ તરીકે પણ ઓળખવા માં આવે છે. મંદિર ને આખા શ્રાવણ માસ દરમિયાન ફૂલો તેમજ લાઇટિંગ કરી ને શણગારવા માં આવશે.લોકોની આસ્થા ને ધ્યાનમાં રાખી અનેક ભક્તિમય કાર્યક્રમો થશે ત્યારે આ મંદિરમાં 17/ 8/ 23 થી અનેક કાર્યક્રમોની ભવ્ય રૂપરેખા બનાવવામાં આવી છે. શ્રાવણ માસના પ્રથમ ત્રણ સોમવારની રાત્રીએ બાર જ્યોતિર્લિંગ નું પ્રાગટ્ય મહિમા તથા પૂજાના મહત્વનું વર્ણન શ્રી ભવાનીશંકર શાસ્ત્રી રાત્રે 9 થી 11:00 કલાકે કરશે. 11/ 9/23 શ્રાવણ માસના છેલ્લા સોમવાર ની રાત્રે બાલિકાઓ દ્વારા શાસ્ત્રીય સંગીત ભારતનાટ્યમનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે. ત્યારબાદ નાગ પંચમી નો હવન, શીતળા માતાની પૂજા, જન્માષ્ટમી મહોત્સવ અને પારણા ઉત્સવ વગેરે કાર્યક્રમો ઉજવવા માટેની તૈયારીઓ અદભુત રીતે કરી દેવામાં આવેલી છે. 15/ 9/23 શુક્રવાર શ્રાવણ મહિના ના છેલ્લા દિવસે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નો યજ્ઞ કરવામાં આવશે. જે લોકોએ બીલી ચઢાવવાના યજમાન થવું હોય તે લોકોની નામ નોંધણી પણ પૂરજોશ માં ચાલી રહી છે. અંદાજે એક હજાર શિવભક્તો થી પણ વધારે શિવલિંગ ઉપર બીલી ચડાવવા માટે ની નોંધણી થશે. છેલ્લે 15/ 8/23 સુધી નોંધણી કરવામાં આવશે. ત્યારબાદ તે લોકોને સંકલ્પ લઈને કર્મકાંડી બ્રાહ્મણ શ્રી અશોકભાઈ દવે ના હસ્તે ભોલેબાબા ના શિવલિંગ ઉપર બીલી ચઢાવવામાં આવશે. છેલ્લા દિવસે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરેલ છે. જે યજમાનો બીલી ચઢાવવાના છે, તે દરેકને ભોજન પ્રસાદ આપવામાં આવશે. શ્રાવણ માસના ચાર સોમવાર ના શણગારના દાતાશ્રીઓ પણ આ પર્વની ઉજવણી નિમિત્તે યશભાગી થવાનો અમૂલ્ય અવસર લઈ રહ્યા છે. રાધનપુર રોડ ઉપર રહેતા અસંખ્ય ભક્તો જાણે કે કોઈ અવસરની રાહ જોઈ રહ્યા હોય તેમ આ પર્વની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે. ચાલો આજે આપણે પણ બોલીશું.. હર હર ભોલે…
રિપોર્ટ.. ડેવિડ પટેલ.
