






કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વરમાં ભક્તો દ્વારા દસ દિવસમાં દશામાંની સ્થાપના કરીને પૂજા-અર્ચના અને આરાધના કર્યા બાદ ગુરુવારે વહેલી સવારે શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરાયું હતું. ભક્તોએ શહેરમાં નર્મદા નદીમાં,ગામ તથા નગરોમાં સ્થાપના કરેલી નાની, મોટી પ્રતિમા ને વાજતે- ગાજતે, શ્રદ્ધાપૂર્વક તળાવ નહેરમાં વિસર્જિત કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં ભાવિક ભક્તો દ્વારા માં દશામાંની પ્રતિમા નું સ્થાપન કરાયું હતું. દસ દિવસના વ્રત ની પૂર્ણાહૂતિ સાથે દશામાંની પ્રતિમા ને રંગેચંગે વિદાય અપાઈ હતી.અંકલેશ્વર નગરમાં ઘરે ઘરે શ્રધ્ધાળુઓએ રાત્રી જાગરણ કરીને ઉજવણી કરી હતી.જ્યારે ગુરુવારે વહેલી સવારે ટ્રેક્ટર, ટેમ્પા જેવા વાહનો સાથે નદી, તળાવ, નહેર ખાતે વાજતે ગાજતે દશામાંની પ્રતિમા નું વિસર્જન કરાયું હતું.આ સમયે જય દશામાં નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પરિવાર સાથે આવેલા નાના-મોટા યુવાનોએ માતાજીની આરતી ઉતારી ને પરિવાર ખુશ રહે એવી પ્રાર્થના કરી હતી. દસ દિવસના ભક્તિભાવ સાથે આતિથ્ય માણ્યા બાદ દશામાની વાજતે ગાજતે શ્રદ્ધાળુઓ પૂરા ભાવથી વિદાય કરી હતી.શહેરમાં વિસર્જનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને અંકલેશ્વર પાલિકાના ફાયર વિભાગના જવાનો ખડેપગે હાજર રહ્યા હતા. જોકે ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા માટે કાર્યરત ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ના જય કિશન પરમાર અને કાર્યકર્તાઓ દ્વારા દરેક તહેવારોમાં નર્મદા નદી પ્રદુષિત ન બને તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.તેના દ્વારા ભાવિક ભક્તો સાથે લાવતા ફુલહાર સહિતની વસ્તુઓ ભાવિકભક્તો પાસેથી મેળવી ને અંદાજે સાડા ચાર થી પાંચ ટન જેટલો પૂજાપાની વસ્તુઓ એકત્ર કરી હતી.
