કચ્છ જિલ્લા ભાજપના નવ નિયુકત હોદેદારોની પ્રથમ બેઠક યોજાઈ

ચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તાજેતરમાં જ વરાયેલા જિલ્લા ભાજપના હોદેદારોની શુભેચ્છા બેઠક યોજાઈ હતી . આ બેઠકમાં ઉપસ્થિત સૌ નવ નિયુકત હોદેદારોને જિલ્લા પ્રમુખ દ્વારા શુભેચ્છાઓ આપી આવકારવામાં આવ્યા હતા તેમજ આગામી દિવસોમાં પક્ષરૂપી પરિવારના છત્ર હેઠળ સૌએ એક જૂટ થઈને સંગઠનાત્મક કામગીરી તેમજ લક્ષ્યાંકો સિધ્ધ કરવા બાબતે જરૂરી મનોમંથન કરવામાં આવ્યું હતું . અબડાસા વિધાનસભા પેટા ચુંટણીમાં અત્યંત મહત્વપૂર્ણ સફળતા અપાવનાર પેજ સમિતિના સભ્યો બનાવવાની રણનીતીની નોંધ પ્રદેશ સહિત રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં આ વ્યુહરચનાનો અમલ જિલ્લા સ્તરે વ્યાપક ફલક પર કરવા અંગે પણ આ બેઠકમાં અગત્યનો નિર્ણય લેવાયો હતો . પ્રાસંગીક ઉદબોધન આપતા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , જિલ્લા ભાજપની અગ્રીમ હરોળમાં સ્થાન મેળવનારા આપ સૌ વરિષ્ઠ હોદેદારોની નહીં માત્ર આ કાર્યકાળ દરમ્યાન પરંતુ શેષ રાજકીય કારકીર્દી દરમ્યાન પક્ષ પ્રત્યેની સવિશેષ જવાબદારી બની રહેશે . સંગઠન એ સાચા અર્થમાં પ્રજા અને સરકાર વચ્ચેનો મજબૂત સેતુ છે એ આપણે સૌ એ સાથે મળીને સાબિત કરીને પક્ષે મુકેલા વિશ્વાસને દરેક સમયે અને સંજોગે સાર્થક કરવો પડશે . સાથો સાથ તેમણે તેમના પ્રથમ કાર્યકાળ દરમ્યાન સહભાગી રહેલા એવા જિલ્લાના હોદેદારો અને કારોબારી સભ્યો દ્વારા પ્રાપ્ત થયેલ નિરંતર સહકાર બદલ હૃદય પૂર્વકનો આભાર માનતા જણાવ્યું હતું કે , ગત ચાર વર્ષ દરમ્યાન સાથે રહેલા સૌ જિલ્લાના હોદેદારોએ પક્ષ પ્રત્યેના તેમના અપ્રતિમ સમર્પણભાવ અને દૂઢ પારિવારીક ભાવના થકી કચ્છ જિલ્લા ભાજપના ઉજળા ઈતિહાસની પ્રણાલીને ગત સમગ્ર કાર્યકાળ દરમ્યાન સફળતા પૂર્વક અને જાજરમાન રીતે આગળ વધારવામાં જે રીતે સક્રિય ભૂમિકા અદા કરી હતી તે બદલ તેઓ સૌના ઋણી રહેશે તેમજ આવનારા સમયમાં પણ પક્ષના દીર્ઘ હિતને અનુલક્ષીને સંગઠનાત્મક બાબતોમાં તેમનું ઉમદા માર્ગદર્શન પ્રાપ્ત થતું રહેશે એવી આશા વ્યકત કરી હતી .

ઉપરોકત બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ ઉપસ્થિત રહીને સૌ હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે , દેશના તખતા પર નરેન્દ્રભાઈ મોદી જેવા નખશીખ રાષ્ટ્રવાદી નેતાનું નેતૃત્વ હોય , ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી જેવા સંવેદનશીલ મુખ્યમંત્રીનું શાસન હોય ત્યારે આવા સાનુકુળ સંજોગોમાં જિલ્લા ભાજપની વરિષ્ઠ ટીમમાં જોડાઈને કામ કરવું એ વાસ્તવમાં ખૂબ સૌભાગ્યની વાત છે . આ સમગ્ર ટીમ આગામી દિવસોમાં કચ્છ જિલ્લા ભાજપને નવા શીખરે પહોંચાડશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે . જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવેએ બેઠકનું સંચાલન કરી આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી . આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલ , શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના હોદેદારો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .

રિપોર્ટ – અજય ખત્રી, કચ્છ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *